SCO શિખર સંમેલનમાં પુતિને ભારતના શાંતિ પ્રયાસોની પ્રશંસા
નવી દિલ્હીઃ ચીનના તિયાનજિનમાં યોજાયેલ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના સત્રને સંબોધિત કરતા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને યુક્રેન સાથે ચાલી રહેલા રશિયા સંઘર્ષ દરમિયાન શાંતિ પ્રયાસો માટે ભારત અને ચીનનો આભાર માન્યો હતો. પુતિને કહ્યું, હું યુક્રેન સંકટને ઉકેલવા માટે ચીન અને ભારતના પ્રયાસોની પ્રશંસા કરું છું. આ પ્રસંગ્રે પુતિને વ્હાઇટ હાઉસના સલાહકાર પીટર નવારોના આ દાવાનું ખંડન કર્યું કે યુક્રેન “મોદીનું યુદ્ધ” છે. પુતિને કહ્યું કે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અલાસ્કામાં થયેલી બેઠકની વિગતો દ્વિપક્ષીય બેઠકો દરમિયાન અન્ય નેતાઓને જણાવી દેશે. સાથે જ તેમણે મોસ્કોનો આ અભિપ્રાય પુનરાવર્તિત કર્યો કે યુક્રેનમાં સંકટ કોઈ આક્રમણથી નહીં પરંતુ પશ્ચિમ દેશોના સમર્થન સાથે કિએવમાં થયેલા તખ્તાપલટના પરિણામે ઉપજ્યું છે.
પુતિનના જણાવ્યા મુજબ, અલાસ્કા શિખર સંમેલનમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે થયેલી સહમતી યુક્રેનમાં શાંતિનો માર્ગ ખોલી શકે છે. તેમણે ઉમેર્યું કે કિએવને નાટોમાં સામેલ કરવા પશ્ચિમ દેશોના સતત પ્રયત્નો યુક્રેન સંઘર્ષના મુખ્ય કારણોમાંના એક છે. પુતિને દાવો કર્યો કે આ સંકટનું બીજું કારણ પણ એ જ છે—કારણ કે તે રશિયાની સુરક્ષાને સીધો ખતરો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પીટર નવારોએ ભારત પર આરોપ મૂક્યો હતો કે સસ્તું રશિયન તેલ ખરીદીને ભારત રશિયાના યુદ્ધને ટેકો આપી રહ્યું છે. નવારોએ દાવો કર્યો હતો કે જો ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરે તો તેને અમેરિકન ટેરિફમાં સીધી 25% છૂટ મળી શકે છે. નવારોએ વધુમાં જણાવ્યું હતું કે યુક્રેનમાં શાંતિનો રસ્તો કંઈક હદ સુધી નવી દિલ્હીમાંથી પસાર થાય છે અને એ કારણસર આ “મૂળત્વે મોદીનું યુદ્ધ” છે.
ફેબ્રુઆરી 2014માં કિએવમાં પ્રદર્શનકારીઓ અને સરકારી દળો વચ્ચે થયેલી હિંસક અથડામણ પછી તત્કાલીન રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. પુતિનના જણાવ્યા મુજબ, 2014ના તખ્તાપલટ બાદ તે રાજકીય નેતૃત્વને હટાવવામાં આવ્યું હતું, જે યુક્રેનને નાટોમાં જોડાવાનો વિરોધ કરતું હતું.