ગુજરાતમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ થયો
ગાંધીનગરઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતેથી રાજ્યભરમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ વેળાએ જણાવ્યું હતું કે, ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના કુલ 3.36 લાખથી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે રાજ્યના કુલ 1.18 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા માટે નક્કી કરાયેલા 179 ખરીદ કેન્દ્રો અને રાયડા માટે નક્કી કરાયેલા 87 ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા અનુસાર, પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ભારત સરકારની મંજૂરી મુજબ રૂ. 1903 કરોડના મૂલ્યનો કુલ 3.36 લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો તેમજ રૂ. 767 કરોડના મૂલ્યનો કુલ 1.29 લાખ મેટ્રિક ટન રાયડાનો જથ્થો ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે. ખેડૂતોને આર્થિક નુકશાનથી બચાવીને તેમની આવક વધારવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી એક મહત્ત્વપૂર્ણ પગલું પૂરવાર થઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી આજથી શરૂ કરાઈ છે.
આ પ્રસંગે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માં ખેતી નિયામક પ્રકાશ રબારી સહિત કૃષિ વિભાગના ઉચ્ચ અધિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે વરર્ચ્યુઅલ માધ્યમથી વિવિધ ખરીદ કેન્દ્રો ખાતેથી અધિકારીઓ અને ખેડૂતો આ કાર્યક્રમમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે વર્ષ 2024-25ની રવિ સિઝન દરમિયાન ચણા માટે રૂ.5650 પ્રતિ ક્વિન્ટલ તથા રાયડા પાક માટે રૂ. 5950 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કર્યો હતો.