પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
નવી દિલ્હીઃ પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ અને ગાયકે પ્રધાનમંત્રી મોદીને ભેટ પણ આપી. દિલજીત દોસાંઝે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પીએમ મોદી સાથેની તેમની મુલાકાતના કેટલા ફોટોસ શેર કર્યા છે. ફોટા શેર કરતા સિંગર દિલજીતે લખ્યું, 2025ની શાનદાર શરૂઆત! પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ખૂબ જ યાદગાર મુલાકાત. અમે સંગીત સહિત ઘણી બાબતો પર વાત કરી.
PM નરેન્દ્ર મોદીએ પંજાબી સુપરસ્ટાર સાથેની તેમની મુલાકાત ફરી શેર કરી. તેમણે લખ્યું, દિલજીત દોસાંઝ સાથે શાનદાર વાતચીત! અમે સંગીત, સંસ્કૃતિ અને અન્ય વસ્તુઓ દ્વારા જોડાયેલા છીએ. વીડિયોમાં પ્રધાનમંત્રી દિલજીતના વખાણ કરતા કહે છે કે ગામડાનો ભારતીય યુવક જ્યારે દુનિયામાં પ્રખ્યાત થાય છે ત્યારે સારું લાગે છે. દિલજીતે હાથ જોડીને પ્રધાનમંત્રી મોદીના વખાણનો જવાબ આપ્યો.
પીએમ મોદીએ આગળ કહ્યું, તમારા પરિવારે તમારું નામ દિલજીત રાખ્યું છે અને તમે લોકોનું દિલ જીતી રહ્યા છો. આ અંગે દિલજીતે કહ્યું કે, હું વાંચતો હતો કે ભારત મહાન છે અને જ્યારે હું દેશભરમાં ફર્યો ત્યારે જ મને સમજાયું કે આ દેશ શા માટે મહાન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના શબ્દો પર સ્મિત આપીને કહ્યું, ભારતની વિશાળતા ખરેખર એક તાકાત છે. આપણે જીવંત સમાજ છીએ.
બન્ને વચ્ચે યોગ વિશે પણ ચર્ચા થઈ. પીએમ મોદીએ કહ્યું, જેણે પણ યોગનો અનુભવ કર્યો છે તે તેની શક્તિથી વાકેફ છે. પંજાબી સુપરસ્ટારે તે ક્ષણોને પણ યાદ કરી જ્યારે પીએમ મોદીએ ગંગા નદીને ભાવુક શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે તે માતા-પુત્રના સંબંધોનો સંદર્ભ આપતાં તેનાથી અભિભૂત થઈ ગયા હતા. તેમણે ગુરુ નાનકનો ભાવુક ઉલ્લેખ કરીને પંજાબીમાં કેટલીક પંક્તિઓ પણ ગાઈ, જેના પર PMએ ટેબલ પણ થપથપાવી દીધું.