પંજાબ: સરહદ પારથી હથિયારોની દાણચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ, 2ની ધરપકડ
નવી દિલ્હીઃ પંજાબ પોલીસે સરહદ પારથી હથિયારોની દાણચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેમાં 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા ફિરોઝપુર પોલીસે ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોરી અને વિક્રમજીત સિંહ ઉર્ફે વિક્કીની ધરપકડ કરાઈ છે.
બંને આરોપીઓ પાસેથી છ ગ્લોક 9mm પિસ્તોલ, 4 મેગ્ઝિન અને 4 જીવતા કારતૂસ મળી આવ્યા છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન વિક્રમજીતે પાકિસ્તાની દાણચોર સાથે સીધા સંબંધો હોવાની કબૂલાત કરી હતી, જેના ખુલાસા બાદ પોલીસે 2 વધારાની ગ્લોક પિસ્તોલ પણ જપ્ત કરી હતી. પંજાબમાં ગેરકાયદેસર હથિયારોના વધતા પ્રવાહને રોકવા માટે આ કાર્યવાહી મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
પંજાબના ડીજીપી ગૌરવ યાદવે સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ સફળતા વિશે માહિતી શેર કરી. તેમણે પોસ્ટ કર્યું, "એક ગુપ્ત માહિતીના આધારે, ફિરોઝપુર પોલીસે સરહદ પારથી હથિયારોની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. DGPએ વધુમાં જણાવ્યું હતું કે આ ધરપકડથી એક જૂના કેસનો પણ સંકેત મળ્યો. વિક્રમજીતના નિવેદનમાં જાણવા મળ્યું છે કે તે જ ક્રોસ-બોર્ડર નેટવર્કમાંથી AK-47 રાઇફલ્સ ખરીદવાનો એક જૂનો કેસ પ્રકાશમાં આવ્યો હતો.
પોલીસ હવે વિદેશી ઓપરેટરો, પાકિસ્તાની હેન્ડલર્સ અને સ્થાનિક સહયોગીઓ સહિત સમગ્ર સપ્લાય ચેઇનને ખોલવા માટે જપ્ત કરાયેલા ડિજિટલ ઉપકરણો, મોબાઈલ ફોન અને લેપટોપનું ટેકનિકલ વિશ્લેષણ કરી રહી છે. ફિરોઝપુર પોલીસના જણાવ્યા અનુસાર, આ નેટવર્ક ડ્રોન અને અન્ય માધ્યમોનો ઉપયોગ કરીને સરહદ પારથી હથિયારોની દાણચોરી કરી રહ્યું હતું. પોલીસ સમગ્ર સાંકળ તોડવા માટે પડોશી રાજ્યો અને કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલન કરી રહી છે.