અડાલજમાં લૂંટ વિથ મર્ડર કેસમાં ‘સાયકો કિલર’ વિપુલ પરમાર એન્કાઉન્ટરમાં ઠાર મરાયો
ગાંધીનગર : અડાલજના લૂંટ વિથ મર્ડર કેસમાં ઝડપાયેલા સાયકો કિલરને આજે પોલીસની ટીમ તપાસ અર્થે ઘટના સ્થળે લઈ ગઈ હતી. આ દરમિયાન ઉપર પોલીસ ઉપર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ આરોપી વિપુલ પરમારે કર્યો હતો. દરમિયાન પોલીસે કરેલા ગોળીબારમાં આરોપીનું મોત થયાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત શુક્રવારની મોડી રાતે ગાંધીનગરના અંબાપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પર બર્થ-ડેની ઊજવણી કરવા કારમાં એક કપલ આવ્યું હતું. સૂમસામ વિસ્તારમાં રાત્રિનો લાભ લઈને એક શખ્સે લૂંટના ઈરાદે કારમાં બેસેલા કપલ પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં યુવક વૈભવ મનવાણીનું મોત નિપજ્યું હતું અને યુવતી ઘાયલ થઈ હતી. લૂંટ વીથ મર્ડરની ઘટનાને પગલેપોલીસ દોડતી થઈ ગઈ હતી. આ ઘટના અડાલજ પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગુનાહિત ભૂતકાળ ધરાવતો Psycho Killer વિપુલ પરમાર હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન પોલીસે વિપુલ પરમારની રાજકોટથી ધરપકડ કરી હતી.
આજે પોલીસની ટીમ કિલરને લઈને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈને ગઈ હતી. આ દરમિયાન વિપુલ પરમારે અચાનક પોલીસ પર હુમલો કર્યો હતો. તેણે એક પોલીસ કર્મીનું રિવોલ્વર આંચકીને ફાયરિંગ કર્યાનું પણ જાણવા મળે છે. આ ફાયરિંગમાં એક પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, હુમલા બાદ પરિસ્થિતિ કાબુમાં લેવા સ્વરક્ષણમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતા વિપુલ પરમારનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.