ગુજરાતમાં ઈજનેરી કોલેજોના 200 એડહોક અધ્યાપકોને છૂટા કરી દેવાતા વિરોધ
- દિવાળી ટાણે જ કોન્ટ્રાક્ટ બેઝ અને એડહોક અધ્યાપકોને છૂટા કરવાના નિર્ણય સામે રોષ,
- એડહોક અધ્યાપકોને ટેકનિકલ શિક્ષણ વિભાગે શો કોઝ નોટિસ આપી,
- સરકાર પોઝિટિવ વલણ દાખવે તેવી રજુઆત કરવામાં આવી,
અમદાવાદઃ રાજ્યમાં 200 જેટલા એડહોક અધ્યાપકોને દિવાળીમાં નોકરી ગુમાવવાના માઠા સમાચાર મળ્યા છે. વિવિધ સરકારી ઈજનેરી કોલેજોમાં કોન્ટ્રાક્ટ બેઝ અને એડહોક આધારિત અધ્યાપકોને નોકરીમાંથી એકાએક છૂટા કરી દેવામાં અધ્યાપકોમાં સરકાર સામે નારાજગી જોવા મળી રહી છે. એક તરફ લોકો દિવાળીના સમયમાં પરિવાર સાથે ખુશીઓની ઉજવણી કરી રહ્યા છે. ત્યાં બીજી તરફ કોન્ટ્રાક્ટ બેઝ અધ્યાપકોના પરિવારમાં ચિંતા ઊભી થઈ છે. સરકારી એડ હોક અધ્યાપકોની દિવાળી બગડી છે. અંદાજિત 200 જેટલા અધ્યાપકોને છૂટા કરવાનો આદેશ કરાયો છે.
રાજ્યના ટેકનિકલ શિક્ષણ વિભાગે એડહોક અને કોન્ટ્રાક્ટ બેઝ અધ્યાપકોને શો કોઝ નોટિસ આપી છે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રોફેસર ઓફ પ્રેક્ટિસને આધારે હવે નવી ભરતી કરશે. 30 થી વધુ વર્ષથી નોકરી કરતા 200 જેટલા પ્રોફેસરોને છુટા કરવાન આદેશ આવતા તેમની દિવાળી બગડી છે. પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ પણ કરાર આધારિત છે, ત્યારે વર્ષો જૂના અધ્યાપકોને કેમ કાઢી મૂકવામાં આવી રહ્યા છે. અનેક અધ્યાપકો 15થી 20 વર્ષથી ડિગ્રી અને ડિપ્લોમા કોલેજમાં ફરજ બજાવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી ઇજનેરી અને પોલિટેકનિક કોલેજમાં 1998થી એડહોક આધારિત અને 2008થી કરાર આધારિત પ્રોફેસર અને લેક્ચરરની નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રોફેસર અને લેક્ચરર અત્યારે જે કાયમી પ્રોફેસર છે તેના જેટલું જ કામ કરી રહ્યા છે. અમુક છેલ્લા 30થી વર્ષ કરતા વધુ સમયથી નોકરી કરી રહ્યા છે. ત્યારે સરકાર સામે અધ્યાપકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. અને સરકાર પોઝિટિવ વલણ દાખવે તેવી અધ્યાપકોએ રજૂઆત કરી છે.