સરકારે ખેડુતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી મગફળી ખોટ ખાઈને વેચવા કાઢતા વિરોધ
- 8 ફેબ્રુઆરી સુધી સરકારે અંદાજીત 12 લાખ ટન મગફળીની ખરીદી કરી હતી
- 6782ના ક્વીન્ટલના ભાવે ખરીદેલી મગફળી 5150થી 5400ના ભાવે વેચાણ
- તેલીબીયા સંગઠનનો કૃષિમંત્રીને લખ્યો પત્ર,
ગાંધીનગરઃ રાજ્ય સરકારે ખેડુતો પાસેથી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 6782ના ટેકાના ભાવે ખરીદેલી 12 લાખ ટન મગફળી ખોટ ખાઈને સરકાર પ્રતિ ક્વિન્ટલ 5150થી 5400ના ભાવે વેચી રહી છે. બજાર કરતા પણ નીચા ભાવે મગફળીના વેચાણ સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. ત્યારે તેલીબીયા સંગઠન દ્વારા આ મામલે સરકારમાં વિરોધ નોંધાવીને ખેડુત તથા તેલઉદ્યોગના હિતમાં વેચાણ અટકાવવાની માંગ કરવામાં આવી છે.
ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ્સ એન્ડ ઓઈલસિડસ એસોસીએશન દ્વારા રાજયના કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને એવી રજુઆત કરવામાં આવી છે કે, ગત સિઝનમાં મગફળીના રેકોર્ડબ્રેક ઉત્પાદનને પગલે ખેડુતોને સારા ભાવ મળી શકે તે માટે સરકારે ટેકાના ભાવે મોટાપાયે મગફળીની ખરીદી કરી હતી. ઓનલાઈન જે ખેડુતોએ નોંધણી કરાવી હતી તેમની પાસેથી સરકારે ગઈ તા. 8 ફેબ્રુઆરી સુધી ટેકાના ભાવે ખરીદી કરી હતી. અને પ્રતિ કવીંટલ રૂા.6782નો ભાવ આપવામાં આવ્યો હતો. આ ખરીદી પુર્ણ થયાના માત્ર દોઢ માસમાં તા.26/3 થી ખરીદેલી મગફળી વેચવા કાઢવામાં આવી છે જે આઘાત સાથે આશ્ચર્યજનક પણ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર પ્રેરિત ખરીદીમાં નાફેડ સહિતની સંસ્થાઓએ ઉત્પાદનની 25 ટકા ખરીદી કરી હતી. ખેડુતો પાસે હજુ માલ પડયો છે અને નિયમિત વેચાવા આવી રહ્યો છે તેવા સમયે ટેકાના ભાવે ખરીદેલી મગફળી વેચાવા આવતા બજારમાં બોજ વધવાની આશંકા છે. ભાવ પણ તૂટવાના સંજોગોમાં ભાવ વધુ ઘટી જાય તેમ છે. સરકાર પ્રેરિત સંસ્થાઓએ 6782માં ખરીદેલી મગફળી 5100થી 5200 ભાવે વેચવા કાઢી તે પણ અનેક સવાલ ઉભા કરે છે. માલનો નિકાલ કરવાની ઉતાવળ ગંભીર પરિણામો લાવી શકે છે. ભાવ ઘટી જવાના સંજોગોમાં નવી સીઝનમાં વાવેતર ઓછુ થઈ જવાનું જોખમ રહેશે. દરમિયાન વેપારી વર્તુળોએ કહ્યું કે, નાફેડ સહિતની સંસ્થાઓ બે-ત્રણ મહિના પુર્વે ખરીદેલી મગફળી જ વેચી રહી છે. ખોટ ખાઈને માલ વેચવાનુ કારણ સ્પષ્ટ નથી પરંતુ એવો તર્ક છે કે ચણા, મગફળી સહિતના શિયાળુ પાકની સરકાર ખરીદી કરી રહી છે તે ભરવા માટે ગોડાઉનની જરૂર છે અને ગોડાઉન ખાલી કરવા માટે મગફળીનો નિકાલ થઈ રહ્યાનુ માની શકાય તેમ છે. આ પગલાથી ઉહાપોહ સર્જાવાનો ઈન્કાર થઈ શકતો નથી.
આ અંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવડી પટેલના કહેવા મુજબ મગફળીની ખરીદી કે વેચાણમાં રાજય સરકારનો કોઈ રોલ નથી. કેન્દ્ર સરકાર જ જુદી-જુદી સહકારી સંસ્થા મારફત ખરીદી કરાવે છે. રાજય સરકાર માત્ર ખરીદી તથા ગોડાઉનની વ્યવસ્થા કરી છે બાકી મગફળીના વેચાણમાં સરકારની કોઈ ભૂમિકા નથી. સરકારી સંસ્થા દ્વારા નીચા ભાવે વેચાણ વિશે કૃષિ મંત્રીએ ટીપ્પણી કરવાનુ ટાળ્યુ હતુ અને ઓકશનથી તેનુ વેચાણ થતુ હોવાનુ સ્પષ્ટ કર્યુ હતું. ગોડાઉનની જરૂરિયાત માટે વેચાણ કરાતુ હોવાની વાત પણ તેમણે નકારી હતી. ખરીદ-વેચાણ વ્યવહારમાં રાજય સરકાર કે કૃષિ વિભાગ સામેલ નથી.