વલસાડ જિલ્લામાં મધ્યાહ્ન ભોજન યોજનામાં સડેલાં અનાજનું વિતરણ કરાતા વિરોધ
- વલસાડના આદિવાસી વિસ્તારોમાં સડેલા અનાજ અપાતા કરાયો વિરોધ
- દર વખતે તે સંબંધિત વિભાગ બેદરકારી અંગે લૂલો બચાવ કરે છે
- જિલ્લા પુરવઠા અધિકારીએ તપાસના આદેશ આપ્યા
વલસાડઃ રાજ્યમાં સરકાર દ્વારા મધ્યાહ્ન ભોજન યોજનામાં અનાજ પુરૂ પાડવામાં આવે છે. જે મધ્યાન ભોજન કેન્દ્રોને અનાજનું વિતરણ થાય છે. તે અનાજ સડેલુ હોવાની ફરિયાદો ઊઠી છે. વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાંથી આવી ફરિયાદો ઊઠી છે. જિલ્લાના મોટી ઢોલડુંગરી અને મરઘમાળ ગામની પ્રાથમિક શાળાઓમાં મધ્યાન ભોજનનું અનાજ સડેલું મળ્યું હોવાથી બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ અને અગ્રણીઓએ શાળાઓમાં અકસ્માત ચેકિંગ કરતા સડેલું અનાજ હોવાનું બહાર આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની શાળાઓમાં બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે શાળાઓમાં મધ્યાહન ભોજનની યોજના ચાલી છે. જેમાં ગુણવત્તાયુક્ત ભોજન અપાતું હોવાના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ વલસાડના આદિવાસી વિસ્તારોમાં મધ્યાહન ભોજનમાં સડેલું અને જીવાંતવાળા અનાજનું વિતરણ કરાતા કેન્દ્ર સંચાલકોમાં તંક્ષ સામે નારાજગી ઊભી થઈ છે. ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય અને અગ્રણીઓએ તાલુકાની કેટલીક શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું.
વલસાડના મરઘમાળ અને મોટી ઢોલડુંગરી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનનું અનાજ ચેક કરતા ચણામાં જીવાત પડી ગયેલી હોવાનું અને સડી ગયા હોવાનું બહાર આવ્યું હતું. તો ચોખામાં પણ જીવાત પડી ગઈ હોવાનું ધ્યાને આવતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક અગ્રણીઓના મતે સરકાર દ્વારા આદિવાસી બાળકોમાં કુપોષણ દૂર કરવા અને તેમને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે સારી ગુણવત્તાનું ભોજન પૂરું પાડવામાં આવતું હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પણ મધ્યાહન ભોજનનો અનાજ સડેલું મળ્યું હોવાના આક્ષેપને કારણે જિલ્લાનું પુરવઠા વિભાગ પણ દોડતું થયું હતું. દર વખતે તે સંબંધિત વિભાગ બેદરકારી અંગે લૂલો બચાવ કરતા જોવા મળે છે. આ કિસ્સામાં પણ હવે શાળાઓમાં અનાજની ગુણવત્તાની તપાસ કરી બેદરકારી દાખવનાર સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવું જિલ્લા પુરવઠા અધિકારી જણાવી રહ્યા છે.