વિરોધ કરી રહેલા ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા મક્કમ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
નવી દિલ્હીઃ યુનાઈટેડ કિસાન મોરચાના નેતૃત્વમાં હજારો ખેડૂતો નોઈડાના માર્ગો ઉપર ઉતરી આવ્યા છે. તેમજ ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા મક્કમ બન્યાં છે. વિરોધ કરી રહેલા ખેડૂતો દિલ્હી તરફ સતત આગળ વધી રહ્યા છે અને ખેડૂતોએ બેરિકેડ તોડી નાખ્યા હતા. તેઓ કડક પોલીસ બંદોબસ્ત તોડીને આગળ વધ્યા હતા, જો કે, થોડા અંતરે ખેડૂતોને ફરીથી અટકાવવામાં આવ્યા હતા. બીજી તરફ ભારે ટ્રાફિક જામના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયાં હતા. ટ્રાફિક જામને કારણે વાહનચાલકો અને સામાન્ય લોકો પરેશાન થઈ હ. હતા. એટલું જ નહીં ભારે ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ, ખેડૂતો નોઈડા થઈને દિલ્હીમાં પ્રવેશ કરવા પર અડગ રહ્યાં હતા અને ખેડૂતોનો ઉદ્દેશ્ય નોઈડાથી સંસદ ભવન સુધી વિરોધ માર્ચ કાઢવાનો છે. સંસદ ભવનમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું હોવાથી નોઈડા-દિલ્હી બોર્ડર પર ખેડૂતોને રોકવાની યોજના બનાવી છે. ખેડૂતોના વિરોધને કારણે પોલીસે દિલ્હી-એનસીઆરમાં ઘણી જગ્યાએ બેરિકેડ લગાવીને માર્ગોને ડાયવર્ઝન આપ્યું છે.
ડાયવર્ઝનને કારણે માર્ગો પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. નોઈડામાં ભારે ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. જો કે થોડી વાર બાદ એમ્બ્યુલન્સને જવાનો રસ્તો આપવામાં આવ્યો હતો. દલિત પ્રેરણા સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેને તોડીને વિરોધ કરી રહેલા ખેડૂતો આગળ વધ્યા હતા. પોલીસે દોરડા વડે ભીડને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ખેડૂતો રોકવામાં સફળ રહ્યાં ન હતા.
બીજી તરફ ખેડૂતોને રોકવા માટે પોલીસે DND પર કડક ફેન્સીંગ લગાવી દીધી છે. હાઇવેની વચ્ચે બે બેરીકેટ્સ સાથે બે ક્રેન્સ અને એક ટ્રક પાર્ક કરવામાં આવી છે. બીજી તરફ ગ્રેટર નોઈડા તરફ જતો ટ્રાફિક અટવાઈ ગયો છે. દિલ્હીથી ગ્રેટર નોઈડા જવાનો એક્સપ્રેસ વે રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.
અગાઉ, જ્યારે ખેડૂતોનું જૂથ મહામાયા ફ્લાયઓવરથી દિલ્હી તરફ આગળ વધી રહ્યું હતું, ત્યારે પોલીસ અને ખેડૂતો સામસામે આવી ગયા હતા. ખેડૂતોને રોકવા માટે પોલીસ સહિત પીએસીની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે. ખેડૂતોને દિલ્હી તરફ જતા રોકવા માટે દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સરહદ પર હાજર રહ્યાં હતા.. ખેડૂતોના વિરોધને કારણે દિલ્હી-નોઈડા બોર્ડર પર ટ્રાફિક પ્રભાવિત થયો હતો.