ગુજરાત યુનિવર્સિટીએ કર્મચારીઓને 10 હજારથી 5 લાખની બક્ષિસ આપતા NSUIનો વિરોધ
- ગુજરાત યુનિના સત્તાધિશોએ 45 લાખ રૂપિયાની કર્મચારીઓમાં લઙાણી કરી
- એનએસયુઆઈએ રજિસ્ટ્રારને રજુઆત કર્યા બાદ આંદોલનની ચીમકી આપી
- વિદ્યાર્થીઓના ફીના રૂપિયા વેડફવામાં આવતા હોવાનો આક્ષેપ
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીને NACCમાં A+ ગ્રેડ મળતા એની ખૂશીમાં યુનિવર્સિટીએ તેના કર્મચારીઓને રૂપિયા 10 હજારથી લઈને રૂપિયા 5 લાખની બક્ષિસ આપી હતી. આમ યુનિવર્સિટી દ્વારા કુલ રૂ.45 લાખની રેવડી બાંટવામાં આવી હતી. આ બાબતની જાણ થતાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ ભારે વિરોધ કર્યો છે. વિદ્યાર્થીઓની ફીની થતી આવક આ રીતે વેડફી દેવામાં આવે તે યોગ્ય નથી. એનએસયુઆઈએ યુનિના રજિસ્ટ્રારને રજુઆત કરી અને કર્મચારીઓ પાસેથી બક્ષિસમાં આપેલી રકમ પરત લેવામાં નહીં આવે તો કૂલપતિનો ઘેરાવ કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીને તાજેતરમાં NACCમાં A+ ગ્રેડ મળ્યો હતો, તેની ખૂશીમાં યુનિવર્સિટીના સત્તાધિશોએ તેના કર્મચારીઓને રૂપિયા 10 હજારથી 5 લાખની લહાણી કરી હતી. આ અંગેની જાણ થતાં અનએસયુઆઈએ ભારે વિરોધ કર્યો છે. અને યુનિના રજિસ્ટ્રારને રજુઆત કરવામાં આવી હતી. ઇન્ચાર્જ રજિસ્ટ્રાર પરેશ પ્રજાપતિને ઉગ્ર રજૂઆત કરતા રજિસ્ટ્રારે NSUIના કાર્યકરોને કહ્યું કે મને ખુરશી વ્હાલી નથી,સરકારે નિમણૂંક કરી એટલે છું. આ રજૂઆત સત્તા મંડળ સામે મૂકવામાં આવશે.મારી નિમણૂંક અગાઉ પૈસા આપવામાં આવ્યા છે. જેથી તે તપાસ કરવી પડશે.
એનએસયુઆઈના વિદ્યાર્થી નેતા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ફીના પૈસામાંથી કર્મચારીઓ અને અધિકારીઓને 45 લાખ આપવામાં આવ્યા છે.આ તમામ પૈસા યુનિવર્સિટીના ખાતામાં પરત લેવામાં આવે નહીં તો આગામી 48 કલાક બાદ કુલપતિના ઘરનો ઘેરાવ કરવામાં આવશે અને રાજ્યપાલ સુધી આંદોલન કરવામાં આવશે. એક બાજુ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. તેના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે બીજીબાજુ યુનિના સત્તાધિશો કર્મચારીઓને લહાણી કરી રહ્યા છે.