સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 235 કોલેજોની જોડાણ ફીમાં વધારો કરાતા વિરોધ
- યુનિવર્સિટીએ જોડાણ ફીમાં 50 ટકાનો વધારો કરતા વિદ્યાર્થીઓને ફી પણ વધશે,
- કૂલપતિ કહે છે, જોડાણ ફી અન્ય યુનિવર્સિટીની જોડાણ ફી કરતા ઓછી છે,
- 14 વર્ષથી જોડાણ ફીમાં કોઈ વધારો કરાયો નથી,
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનું પર્યાય બની ગઈ છે. કોઈને કોઈ બાબતે હંમેશા વિવાદ થતો હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2025-26 માટે 235 કોલેજોની જોડાણ ફીમાં એવરેજ 50 ટકાનો વધારો કરાતા વિરોધ ઊભો થયો છે. જો કોલેજોના જોડાણ ફીમાં વધારો કરાશે તો કોલેજો દ્વારા વિદ્યાર્થીઓની ફીમાં વધારો કરવામાં આવે તેવી પણ શક્યતા છે. આ મુદ્દે ખાનગી કોલેજોના સંચાલકો દ્વારા યુનિના સત્તાધિશોને રજુઆત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી (વર્ષ 2026-27) ખાનગી કોલેજોની ફીમાં પણ વધારો કરવામાં આવે તેવા સંકેત છે. જેનાથી અઢી લાખ વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ ઉપરાંત યુનિવર્સિટીને સૌથી વધુ આવક કરાવતી ચાલુ જોડાણ રિન્યુ કરવા માટેની ફીમાં પણ 50 ટકાનો વધારો થતા ખાનગી કોલેજ સંચાલકો રોષે ભરાયા છે. ખાનગી કોલેજ સંચાલકો કુલપતિ પર જોડાણ ફીમાં ઘટાડો કરવા માટે દબાણ લાવી રહ્યા છે. જોકે, કુલપતિનું કહેવું છે કે, આ જોડાણ ફી અન્ય યુનિવર્સિટીની જોડાણ ફી કરતા ઓછી છે, અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ જોડાણ ફીમાં વધારો ખાનગી કોલેજ સંચાલકોના પ્રતિનિધિ તથા પ્રાઇવેટ કોલેજના પ્રિન્સિપાલોના પ્રતિનિધિની સમિતિ દ્વારા જ કરવામાં આવેલો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, કોલેજ પ્રિન્સિપાલના પ્રતિનિધિ તરીકે ડૉ. યવોન ફર્નાન્ડિઝ અને ખાનગી કોલેજ સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે ડૉ. શૈલેષ જાની તેમજ એકાઉન્ટ ઓફિસર સહિતનાની સમિતિ દ્વારા પુખ્ત વિચારણાને અંતે કોલેજોની જોડાણ ફીમાં વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં કેટલી જોડાણ ફી લેવામાં આવે છે, તેની સરખામણી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ફી વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ ફી પણ અન્ય યુનિવર્સિટીઓમાં લેવાથી જોડાણ ફી કરતા ઓછી છે. કારણ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા અંદાજે 14 વર્ષથી જોડાણ ફીમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.