GSFCના 100 કર્મચારીઓને 7 મહિનાથી પગાર ન આપી છૂટા કરી દેતા વિરોધ
- પગારથી વંચિત કર્મચારીઓ માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યુ,
- કર્મચારીઓના 12 દિવસથી ધરણાં છતાં ઉકેલ નહીં,
- કર્મચારીઓના કેસનું નિરાકરણ ન આવે ત્યાં સુધી છૂટા ન કરવામાં આવે તેવી રજૂઆત
વડોદરાઃ જીએસએફસી કંપની દ્વારા 100 જેટલા કર્મચારીઓનો પગાર બંધ કરીને છુટા કરી દેતા કર્મચારીઓ છેલ્લા 12 દિવસથી ધરણા કરી રહ્યા છે. કંપનીએ ગત ફેબ્રુઆરીથી પગાર આપવાનું બંધ કરી દેતા કર્મચારીઓ માટે ઘર ચલાવવાનું મુશ્કેલ થઈ ગયું છે. નોકરીમાંથી છૂટા કરેલા કર્મચારીઓએ ધારાસભ્ય અને તંત્રને અનેક રજુઆતો કરવા છતાંયે કર્મચારીઓને કંપનીએ પાછા નોકરી પર લીધા નથી.
જીએસએફસી કંપની દ્વારા 100 જેટલા કર્મચારીઓનો પગાર બંધ કરીને છુટા કરી દેવામાં આવતા કર્મચારીઓની હાલત કફોડી બની છે. કામદારોના કહેવા મુજબ વર્ષ 2015માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 2017માં કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, જ્યાં સુધી નવો ચુકાદો કે સુધારો ન આવે ત્યાં સુધી શ્રમજીવીઓનો પગાર ધોરણ ચાલુ રહેવો જોઈએ. આ ચુકાદા મુજબ કંપનીએ કામદારોનો પગાર ધોરણ બંધ કરવો કે તેમને છૂટા કરવા ન જોઈએ. જોકે આ ચુકાદાને ધ્યાનમાં લીધા વગર ફેબ્રુઆરી 2025થી શ્રમજીવીઓનો પગાર ધોરણ બંધ કરી નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે.
નોકરીમાંથી છૂટા કરેલા 100 કર્મચારીઓને કંપનીમાં એન્ટ્રી પણ બંધ કરી દીધી છે. પગાર 7 મહિનાથી મળ્યો નથી. એટલે પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યુ છે. કર્મચારીઓની માગ છે કે, કેસનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા ન કરવામાં જોઈએ. કર્મચારીઓ છેલ્લા 12 દિવસથી કંપનીની સામે ધરણા પર બેઠા છે. પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.