રાજકોટમાં પોલીસ વિભાગનો 12 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી, મ્યુનિ.ની વેરા વસુલાત માટે કાર્યવાહી
- પોલીસ વિભાગ કહે છે, અમારી પાસે મિલકતોનો કોઈ રેકોર્ડ જ નથી,
- રાજકોટમાં વિવિધ સરકારી કચેરીઓનો 100 કરોડથી વધુ વેરો બાકી,
- પોલીસ વિભાગની કેટલીક મિલકતો R & B વિભાગ પાસે છે
રાજકોટઃ મ્યુનિ, કોર્પોરેશન દ્વારા નાના મિલકતધારકોનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તો મિલક્તોને જપ્ત કરવા સુધીના પગલાં લેવામાં આવે છે, પણ સરકારી કચેરીઓનો પ્રોપર્ટી ટેક્સ કરોડો રૂપિયા બાકી હોવા છતાં માત્ર માગણી નેટિસ આપીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. શહેરમાં સરકારી કચેરીઓનો રૂપિયા 100 કરોડથી વધુ પ્રોપર્ટી ટેક્સ બાકી છે. જેમાં શહેરમાં આવેલી પોલીસ કચેરીઓનો 12 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી બોલે છે. આરએમસી દ્વારા પોલીસ તંત્રની મિલકતો માટે રૂ. 12 કરોડનો બાકી વેરો ભરવા નોટિસ આપવામાં આવી છે. જોકે પોલીસ વિભાગે હાલ પોતાની મિલકતોનો કોઈ રેકોર્ડ ન હોવાનું કહી રહી છે.
રાજકોટ મ્યુનિના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે ગત મે માસમાં ટેક્સબ્રાંચના અધિકારીઓ સાથે બેઠક યોજી સરકારી વિભાગ પાસે બાકી રહેતા વેરાની શરૂઆતથી જ ઉઘરાણી કરવા આદેશ આપ્યો હતો. જેને લઈને વેરા વસુલાત શાખાએ શહેર પોલીસ અને રૂરલ પોલીસ પાસે રૂ. 12 કરોડના બાકી વેરાની ઉઘરાણી કરી ત્યારે, પોલીસ વિભાગે પોતાના હસ્તક કેટલી મિલકત છે તેનો કોઈ રેકર્ડ નહીં હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જેમાં સિટી પોલીસની 182 મિલક્તો તેમજ રૂરલ પોલીસની 105 મિલક્તોનો વેરો અને પાણીવેરો ક્યારે ભરશો ? તેવી પુછપરછ કરાતાં પોલીસ વિભાગ દ્વારા જવાબ મળ્યો કે મ્યુનિ.કોર્પોરેશનમાં સિટી પોલીસ અને રૂરલ પોલીસની જેટલી મિલકતો છે એ મિલકતોનો કોઈ જ રેકર્ડ અમારી પાસે નથી. મ્યુનિ. કોર્પોરેશન જે મિલક્તો ગણાવે છે તે પૈકીની કેટલીક મિલકતો તો આર એન્ડ બી તેમજ કેટલીક મિલકતો પોલીસ હાઉસિંગ હસ્તકની છે. પોલીસ વિભાગ પાસે એસ્ટેટ રેકર્ડ એટલે કે પોતાના હસ્તકની મિલકતોનો કોઈ રેકર્ડ કે રજીસ્ટર જ નથી.
પોલીસ વિભાગ પાસે બાકી રહેલા રૂ.12 કરોડના વેરા અંગે મ્યુનિના વેરા શાખાના કહેવા મુજબ મ્યુનિ. કમિશનર અને ચેરમેનની સૂચના મુજબ પોલીસ વિભાગના જોઈન્ટ સીપીને પત્ર લખીને અને રૂબરૂ મુલાકાત કરીને વેરો ભરપાઈ કરવા માટે વિનંતી કરવામાં આવી છે. મનપા દ્વારા વેરા બિલ પણ પોલીસ વિભાગને મોકલી દેવામાં આવ્યા છે. તેમને જણાવવામાં આવ્યું છે કે જો કોઈ સ્પષ્ટતાની જરૂર હોય તો મનપાનો સંપર્ક કરી વેરો ભરી દે. જોકે પોલીસ વિભાગ દ્વારા હાલ કોઈ એસેટ રજીસ્ટર નિભાવવામાં આવતા ન હોવાથી તેમણે રજીસ્ટર નિભાવીને માહિતી આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે.
હાલ સરકારી કચેરીઓમાં રેલેવે વિભાગ દ્વારા લાંબા સમયથી વેરાની પુરતી રકમ ભરપાઈ થતી ન હોય આ આંકડો 14 કરોડ આસપાસ પહોંચી ગયો છે. આવી જ રીતે રાજકોટ સિટી પોલીસ અને રૂરલ પોલીસનો પણ લાંબા સમયથી રૂ. 12 કરોડ ઉપરાંતનો વેરો બાકી છે. આવી જ રીતે બીએસએનલ, જિલ્લા કલેક્ટર કચેરી, આર એન્ડ બી, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સહિતની અનેક કચેરીઓના મોટી રકમના વેરા બાકી હોય રકમ કરોડોને પાર કરી ગઈ છે. સરકારી કચેરીઓ પાસેથી વેરો વસુલવા માટે મ્યુનિના વેરા વિભાગ દ્વારા નિયમ મુજબ પત્રો લખવા અને રૂબરૂ મુલાકાત કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.