ગુજરાત સરકારના પ્રોબેશનરી કર્મચારીઓ ગેરરીતિ કરશે તો ટર્મિનેટ કરી ઘરભેગા કરાશે
- કર્મચારીઓમાં પ્રામાણિકતા, નિર્ણય શક્તિ, નિષ્ઠા અને આજ્ઞાંકિતતા જેવા ગુણો જરૂરી,
- અજમાયશી સમયગાળો સંતોષકારક ન હોય તો સેવા સમાપ્ત,
- સામાન્ય વહીવટ વિભાગે કર્યો આદેશ
ગાંધીનગરઃ ગુજરાત સરકારમાં પ્રોબેશન પિરિયડ પર કામ કરતા કર્મચારીઓ લાંચ લેતા કે ગેરરીતિ કરતા પકડાશે તો એવા કર્મચારીઓની ટર્મિનેટ કરીને કાયમી ઘરભેગા કરી દેવાશે. એટલે કે ફરી આવા કર્મચારીઓને નોકરી પર પરત લેવામાં આવશે નહીં. ગુજરાત સરકાર દ્વારા અજમાયશી ધોરણે એટલે કે પ્રોબેશન પીરિયડમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ કરનારા અધિકારી તેમજ કર્મચારીઓની નોકરી સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન પ્રામાણિકતા, નિર્ણય શક્તિ, નિષ્ઠા અને આજ્ઞાંકિતતા જેવા ગુણો નહીં હોય તો નોકરી સંતોષકારક પણ ગણાશે નહીં.
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારની જુદી જુદી કચેરીઓમાં ફરજ બજાવતા અજમાયશી ધોરણે નિયુક્ત કરેલા અધિકારી કે કર્મચારીઓનો સમય પૂર્ણ કરવા કે લંબાવવા અંગે માર્ગદર્શક સિદ્ધાંતો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જેમાં આ સેવા દરમિયાન મૂલ્યાંકન અહેવાલ લખવાની સૂચના આપવામાં આવેલી છે. અજમાયશી સેવાઓ સંતોષકારક ગણવા માટે અધિકારી કે કર્મચારી પાસેથી અનેક ગુણોની અપેક્ષા રાખવામાં આવી છે. જેમાં પ્રામાણિકતા અને નિષ્ઠા પર વધારે ભાર મૂકવામાં આવે છે. આ સમયમાં તમામ બાબતોનું આંકલન કરી તેમનો અજમાયશી સમયગાળો સંતોષકારક ગણવા બાબતે સક્ષમ કક્ષાએ વિચારણા કરવાની થાય છે. આ બાબતોને ઘ્યાને લેતાં જો પ્રથમ દર્શનીય (પ્રાઇમા ફેસી) રીતે અજમાયશી સમયગાળો સંતોષજનક નહીં હોય તો આવા અધિકારી કે કર્મચારીઓની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરી દેવામાં આવશે. આવા અજમાયશી અધિકારી કે કર્મચારીનો સમય પૂર્ણ કરી લાંબાગાળાના હુકમો કરતાં પહેલાં આ સૂચનાઓ ચકાસી લેવાની રહેશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, આદેશનું પાલન કરવા કેબિનેટના સભ્યો, સચિવાલયના વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, ખાતાના વડા, વિધાનસભાના અઘ્યક્ષ, જાહેર સેવા આયોગ, તકેદારી આયોગ, મુલ્કી સેવા ટ્રિબ્યુનલ, ગુજરાત હાઇકોર્ટ, પંચાયત સેવા પસંદગી મંડળ, માહિતી આયોગ તેમજ સરકારી કચેરીઓના વડાઓને સામાન્ય વહીવટ વિભાગ તરફથી આવી સૂચના આપવામાં આવી છે.