ISRO દ્વારા શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી 4:12 કલાકે PROBA-3 મિશન લોન્ચ કરાશે
બેંગ્લોરઃ આજરોજ ISRO દ્વારા PROBA-3 મિશન લોન્ચ કરવામાં આવશે. તો શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી 4:12 કલાકે PSLV-C59 રોકેટ લોન્ચ કરવામાં આવશે. PROBA-3 એ યુરોપિયન સ્પેસ એજન્સીનું એક મિશન છે. PROBA-3 મિશન સૂર્યના કોરોનાનો અભ્યાસ કરશે. PROBA-3 મિશન સૂર્યના વાતાવરણના સૌથી બહારના અને સૌથી ગરમ સ્તરનો અભ્યાસ કરશે.
પ્રોબા-3 મિશન બે મુખ્ય અવકાશયાનથી લોન્ચ કરવામાં આવશે
સૂર્યના બાહ્ય વાતાવરણને સૂર્યનો કોરોના કહેવામાં આવે છે. ઈસરોની ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ આ મિશનમાં સહકાર આપી રહી છે. ઈસરોએ પહેલાથી જ બે પ્રોબા મિશન લોન્ચ કર્યા છે. પ્રથમ લોન્ચ 2001 માં PROBA-1 હતું. બીજું PROBA-2 મિશન 2009 માં લોન્ચ કરાયું હતું. ઈસરોના આ બંને મિશન સફળ રહ્યા છે. ત્યારે, હવે પ્રોબો 3 ને સફળ બનાવવાની યોજના બનાવવામાં આવી છે. પ્રોબા-3 મિશન બે મુખ્ય અવકાશયાનથી લોન્ચ કરવામાં આવશે. પ્રથમ ઓક્યુલ્ટર છે, જેનું વજન 200 કિલો છે. બીજું અવકાશયાન કોરોનાગ્રાફ છે. જેનું વજન 340 કિલો છે. લોન્ચ કર્યા બાદ બંને ઉપગ્રહ અલગ થઈ જશે. અને પછીથી સૌર કોરોનોગ્રાફ બનાવવા માટે એકસાથે મૂકવામાં આવશે.
અવકાશમાં પ્રિસિઝન ફોર્મેશન ફ્લાઈંગનું પરીક્ષણ કરવામાં આવશે
પ્રોબા-3 મિશન યુરોપના કેટલાક દેશનો ભાગીદારી પ્રોજેક્ટ છે. આ દેશના જૂથમાં સ્પેન, પોલેન્ડ, બેલ્જિયમ, ઇટાલી અને સ્વિટ્ઝરલેન્ડનો સમાવેશ થાય છે. આ મિશનની કુલ કિંમત લગભગ 200 મિલિયન યુરો હોવાનું કહેવાય છે. પ્રોબા-3 મિશન બે વર્ષ સુધી ચાલશે. આ મિશનની ખાસ વાત એ છે કે તેના દ્વારા પહેલીવાર અવકાશમાં પ્રિસિઝન ફોર્મેશન ફ્લાઈંગનું પરીક્ષણ કરવામાં આવશે.