પ્રિયંકા ગાંધીએ પોતાના હાથમાં બંધારણની નકલ સાથે લોકસભા સભ્યપદના શપથ લીધા
નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. કેરળની વાયનાડ લોકસભા બેઠક માટે તાજેતરમાં પૂર્ણ થયેલી પેટાચૂંટણીમાં તેમનો વિજ્ય થયો છે. પ્રિયંકાએ હિન્દી ભાષામાં શપથ લીધા અને આ દરમિયાન તેમના હાથમાં બંધારણની કોપી હતી. જ્યારે તેઓ શપથ લેવા ઉભા થયા ત્યારે કોંગ્રેસના સાંસદોએ 'જોડો-જોડો, ભારત જોડો'ના નારા લગાવ્યા હતા.
મહારાષ્ટ્રના નાંદેડથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા કોંગ્રેસના નેતા રવિન્દ્ર બસંતરાવ ચવ્હાણે પણ ગૃહના સભ્યપદના શપથ લીધા હતા. તેમણે મરાઠી ભાષામાં શપથ લીધા હતા. ચવ્હાણના પિતા બસંતરાવ ચવ્હાણના અવસાનના કારણે નાંદેડમાં પેટાચૂંટણી યોજાઈ હતી. શપથ લીધા બાદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને હાથ જોડીને અભિવાદન કર્યું હતું. તેમણે આગળની હરોળમાં બેઠેલા વિપક્ષી નેતાઓને હાથ જોડીને અભિવાદન કર્યું અને ગૃહમાં વિપક્ષના નેતા અને તેના ભાઈ રાહુલ ગાંધીએ પણ હાથ જોડી પ્રિયંકાના અભિવાદનને સ્વીકાર્યું હતું. શપથ બાદ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રિયંકાને ગળે લગાવીને અભિવાદન કર્યું હતું.
કોંગ્રેસના મહાસચિવના શપથ ગ્રહણ પ્રસંગે તેમની માતા અને પાર્ટીના સંસદીય દળના વડા સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા, પુત્ર રેહાન રાજીવ વાડ્રા, પુત્રી મીરાયા વાડ્રા, કોંગ્રેસના રાજ્યસભા સભ્ય રાજીવ શુક્લા અને પક્ષના કેટલાક નેતાઓ ગૃહની પ્રેક્ષક ગેલેરીમાં હાજર હતા.
આ વર્ષની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલી અને કેરળના વાયનાડથી જીત્યા હતા. તેમણે વાયનાડ બેઠક છોડી દીધી જેના પગલે અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. આ પહેલીવાર છે જ્યારે સંસદમાં ગાંધી-નેહરુ પરિવારના ત્રણ સભ્યો છે. પ્રિયંકાના ભાઈ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા છે અને તેમની માતા સોનિયા ગાંધી રાજ્યસભાના સભ્ય છે. પ્રિયંકાએ વાયનાડ લોકસભા પેટાચૂંટણી ચાર લાખથી વધુ મતોના માર્જિનથી જીતી હતી. તે પ્રથમ વખત કોઈપણ ગૃહની સભ્ય બન્યાં છે. તેમણે 2019ની લોકસભા ચૂંટણી પહેલા સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો અને ત્યારથી તે પાર્ટીના મહાસચિવ તરીકે સેવા આપી રહી છે.