દિવાળીના વેકેશનમાં ખાનગી શાળાઓએ શિક્ષણ કાર્ય શરૂ કરી દીધું
- રાજકોટના DEOએ 10 સ્કૂલોને નોટિસ ફટકારી,
- વિદ્યાર્થી સંગઠનોએ DEOને રજુઆત કરી હતી,
- શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને રિવિઝનની જરૂર હોવાનું કહી કર્યો બચાવ
અમદાવાદઃ ગુજરાતમાં શાળા-કોલેજોમાં હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે કેટલીક ખાનગી શાળાઓ દિવાળી વેકેશનમાં પણ શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યું છે. આ અંગે વિદ્યાર્થી સંગઠનોએ ફરિયાદ કરતા રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારીએ 10 ડેટલી શાળાઓને નોટિસ ફટકારીને ખૂલાશો માગ્યો છે.
રાજ્યના શિક્ષણ વિભાગે જાહેર કરેલા દિવાળી વેકેશનમાં શહેરની મોટાભાગની શાળાઓ શરૂ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદોના આધારે કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠને જિલ્લા શિક્ષણાધિકારીને આ અંગે ફરિયાદ કરી હતી. તેમ છતાં શાળાઓ ચાલુ જ રહેતા વિદ્યાર્થી સંગઠનના આગેવાનો જુદી જુદી શાળાઓમાં પહોંચ્યા હતા અને ત્યાં શિક્ષણકાર્ય ચાલુ હોવાનું માલૂમ પડતા જ શાળાઓ બંધ કરાવી હતી. બીજી બાજુ વેકેશન પહેલાં જ જે શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે તેને નિયમભંગ ગણીને જિલ્લા શિક્ષણાધિકારીએ 10 જેટલી ખાનગી શાળાઓને નોટિસ પણ ફટકારી છે.
દરમિયાન વિદ્યાર્થી સંગઠનના આગેવાને જણાવ્યું હતું કે, જિલ્લા શિક્ષણાધિકારીને પુરાવાઓ પણ આપ્યા હતા તેમ છતાં કોઇ પણ જાતની એક્શન લીધા નથી, એટલે અમારે મેદાનમાં ઉતરવું પડે તે દુઃખદ છે. શૈક્ષણિક કાર્ય શરૂ રાખનારી શાળાથી માહિતગાર કર્યા છે અને કડક એક્શન લેવા પણ કહ્યું છે જો DEO કોઇ જાતના પગલાં નહીં લે તો અમે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો ઘેરાવ કરી વિરોધ કરીશુ. વિદ્યાર્થીઓએ કહ્યું કે, અમને દબાણ કરી બોલાવે છે જ્યારે શાળા સંચાલકોએ કહ્યું કે, અમે રિવિઝન માટે બાળકોને શાળાએ બોલાવીએ છીએ.
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, અગાઉ શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ વેકેશન પહેલાં કોઇપણ શાળા શૈક્ષણિક કાર્ય શરૂ કરી શકશે નહીં તે અંગેનો અમે પરિપત્ર પણ તમામ શાળાઓને મોકલી આપ્યો હતો. છતાં કેટલીક શાળામાં શિક્ષણ કાર્ય શરૂ હોવાની ફરિયાદો મળી હતી જેના આધારે અમે 10 જેટલી ખાનગી શાળાને નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.