ખાનગી શાળાઓમાં ફી નિર્ધારણ કમિટીએ નક્કી કરેલી જ ફી લેવામાં આવે છેઃ શિક્ષણ મંત્રી
- શાળાઓનો હીસાબ-કીતાબ જોઈને ફી નક્કી કરવામાં આવે છે
- ટ્રાન્સપોર્ટ, બોડિંગ, ઘોડેસવારી જેવી અન્ય પ્રવૃતિઓની ફી મંજૂર કરવામાં આવતી નથી.
- FRC દ્વારા અમાન્ય ખર્ચ મંજૂર કરવામાં આવતો નથી
અમદાવાદ: ગુજરાતમાં ખાનગી શાળાઓમાં ફી નિયમન માટે સરકાર દ્વારા ગુજરાત સ્વનિર્ભર શાળા ફી અધિનિયમ 2018 હેઠળ FRCની રચના કરી છે. જેના ભાગરૂપે રાજ્યની ખાનગી શાળાઓમાં FRCની માર્ગદર્શિકા મુજબ નિયત ફી નિર્ધારિત કરવામાં આવી છે. તે મુજબ શાળાઓ દ્વારા ફી લેવામાં આવે છે. સ્વનિર્ભર શાળા દ્વારા જ્યારે ફી નક્કી કરવામાં આવે છે. ત્યારે તેને સૌપ્રથમ FRC સમક્ષ રજૂ કરવામાં આવે છે. જ્યાં યોગ્ય ચકાસણી બાદ તેને ફેરફાર સાથે મંજૂર અથવા નામંજૂર કરવામાં આવે છે. તેમ વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતુ.
શિક્ષણ મંત્રી ડો. ડિંડોરે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યની ખાનગી સાળાના સંચાલકો દ્વારા એફઆરસીએ નક્કી કરેલી ફી લેવામાં આવે છે. ફી નિર્ધારણ કમિટી સમક્ષ જ્યારે શાળા કે સંસ્થા દ્વારા ફી મંજૂર માટે માળખું રજૂ કરવામાં આવે છે. ત્યારે સમિતિ દ્વારા ટ્રાન્સપોર્ટ, બોડિંગ, ઘોડેસવારી જેવી અન્ય પ્રવૃતિઓની ફી મંજૂર કરવામાં આવતી નથી. સંસ્થાએ રજૂ કરેલો ખર્ચ CA દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યો હોય છે. તેમાં FRC દ્વારા અમાન્ય ખર્ચ મંજૂર કરવામાં આવતો નથી. આ માટે રાજ્ય સરકાર દ્વારા 4 ઝોન એટલે કે, અમદાવાદમાં 8, જિલ્લા, વડોદરામાં 7 જિલ્લા, રાજકોટમાં 11 જિલ્લા અને સુરતમાં 7 જિલ્લાને સમાવતી FRC ફી નિયમન સમિતિ રચવામાં આવી છે.
વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, ઝોન કક્ષાની સમિતિમાં અધ્યક્ષ તરીકે નિવૃત્ત જિલ્લાના જજની નિયુક્તિ કરવામાં આવી છે આ ઉપરાંત સમિતિમાં CA, માન્ય સિવિલ ઇજનેર, સ્વનિર્ભર સંસ્થાના પ્રતિનિધિ, શિક્ષણ શાસ્ત્રી અને જિલ્લાના શિક્ષણાધિકારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હાઇકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની FRC કમિટી બનાવવામાં આવી છે. જેમાં, શિક્ષણ સચિવ, નાણા સચિવ, પ્રાથમિક શિક્ષણ નિયામક વગેરેની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્ય કક્ષાની FRC સમિતિ સમક્ષ જો કોઈને સંતોષ ના હોય તો તે નામ સાથે હાઇકોર્ટ સમક્ષ દાદ માંગી શકે છે.