સુરતની લાજપોર જેલમાં કેદીઓ બાખડી પડ્યા, 3 સામે પોલીસમાં ફરિયાદ
- ત્રણ કેદીઓએ અન્ય કેદી પર સ્ટીલની પટ્ટી અને ચમચા વડે હુમલો કર્યો,
- એક કેદીને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો,
- જેલમાં અવાર-નવાર મારામારીના બનાવો બને છે
સુરતઃ શહેરની લાજપોર સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે ઘણીવાર માથાકૂટ થતી હોય છે. દરમિયાન શનિવારે કેદીઓ બાખડી પડ્યા હતા. ત્રણ કેદીઓએ સ્ટીલની પટ્ટી અને ચમચા વડે અન્ય કેદી પર હુમલો કર્યો હતો. યાર્ડ નંબર C-08 અને બેરક નંબર 1માં થયેલા મારામારીના બનાવમાં ત્રણ આરોપી સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટના દરમિયાન ત્રણ કેદીએ અન્ય કેદી ઇમ્તિયાજ ઇકબાલ બચ્ચાવ પર હુમલો કર્યો હતો. જેમાં ઇમ્તિયાજ ઇકબાલ બચ્ચાવને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સુરત શહેરની લાજપોર સેન્ટ્રલ જેલમાં ત્રણ કેદીઓએ સ્ટીલની પાતળી પટ્ટી અને ચમચા વડે અન્યા કેદી પર હુમલો કર્યો હતો, આ હુમલાખોર કેદીઓમાં અંડરટ્રાયલ કેદી કિરણ ઉર્ફે ક્રુણાલ હાવસિંહ સતુંર દેવીપુજક (યાર્ડ નંબર B-04, બેરક નંબર 2), રવિ નટવર વસાવા (યાર્ડ નંબર B-08, બેરક નંબર 2) અને શિવા ઉર્ફે શુભમ હિરાલાલ ચૌહાણ (યાર્ડ નંબર C-10, બેરક નંબર 1)નો સામેલ છે. આ કેદીઓએ કોઈ કારણસર ઇમ્તિયાજ ઇકબાલ બચ્ચાવ સાથે વાદવિવાદ કર્યો હતો અને તેને ધમકી આપી. ત્યારબાદ, સ્ટીલની પાતળી પટ્ટી અને સ્ટીલના ચમચા વડે તેના પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફરજ પરના કર્મચારીઓએ આરોપીઓને અલગ કર્યા હતા અને તેમને જેલના સુપરિટેન્ડેન્ટ ઓફિસમાં લઈ ગયા. પીડિત ઇમ્તિયાજ ઇકબાલ બચ્ચાવને જેલ હોસ્પિટલમાં તબીબી તપાસ અને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો.
આ મામલામાં લાજપોર મધ્યસ્થ જેલના ઇન્ચાર્જ જેલર ડી. બી. રાણાએ 8 ડિસેમ્બરના રોજ ભારતીય જેલ કાયદાની કલમ 45 હેઠળ એફઆઈઆર નોંધાવી છે. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને આ ઘટનાના જવાબદાર કેદીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.