પ્રધાનમંત્રી 23થી 25 ફેબ્રુઆરી સુધી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23થી 25 ફેબ્રુઆરી દરમિયાન મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે. તેઓ 23 ફેબ્રુઆરીનાં રોજ મધ્યપ્રદેશનાં છતરપુર જિલ્લાની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી 24 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10 વાગે ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ બિહારનાં ભાગલપુરની મુલાકાત લેશે અને બપોરે 2:15 વાગ્યે તેઓ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો બહાર પાડશે તથા બિહારમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ પણ કરશે. ઉપરાંત તેઓ ગુવાહાટીનો પ્રવાસ કરશે અને સાંજે 6 વાગ્યે તેઓ ઝુમોઇર બિનાંદિની (મેગા ઝુમોઇર) 2025 કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી 25 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10:45 વાગ્યે એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કરશે.
પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાંપ્રધાનમંત્રી છતરપુર જિલ્લાનાં ગઢા ગામમાં બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે. તમામ વર્ગોના લોકો માટે સારી આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા માટે 200 કરોડ રૂપિયાથી વધુની કિંમતે બનનારી કેન્સર હોસ્પિટલમાં વંચિત કેન્સરના દર્દીઓને નિ:શુલ્ક સારવાર પ્રદાન કરવામાં આવશે. આ હોસ્પિટલ અત્યાધુનિક મશીનોથી સજ્જ હશે અને તેમાં નિષ્ણાત ડોકટરો પણ હશે. પ્રધાનમંત્રી ભોપાલમાં બે દિવસીય ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ (GIS) 2025નું ઉદઘાટન પણ કરશે. મધ્ય પ્રદેશને વૈશ્વિક રોકાણના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે સેવા આપતા, જીઆઇએસમાં વિભાગીય શિખર સંમેલન; ફાર્મા અને મેડિકલ ડિવાઇસીસ, પરિવહન અને લોજિસ્ટિક્સ, ઉદ્યોગ, કૌશલ્ય વિકાસ, પ્રવાસન અને એમએસએમઇ વગેરે પર વિશેષ સત્રો સામેલ હશે. તેમાં ગ્લોબલ સાઉથ કન્ટ્રીઝ કોન્ફરન્સ, લેટિન અમેરિકા અને કેરેબિયન સત્ર જેવા આંતરરાષ્ટ્રીય સત્રો અને મુખ્ય ભાગીદાર દેશો માટે વિશેષ સત્રો પણ સામેલ હશે. સમિટ દરમિયાન ત્રણ મોટા ઔદ્યોગિક પ્રદર્શનો યોજાશે. ઓટો શો મધ્યપ્રદેશની ઓટોમોટિવ ક્ષમતાઓ અને ભવિષ્યના ગતિશીલતા ઉકેલોને પ્રદર્શિત કરશે. ટેક્સટાઇલ અને ફેશન એક્સ્પો પરંપરાગત અને આધુનિક કાપડ ઉત્પાદન બંનેમાં રાજ્યની કુશળતાને પ્રકાશિત કરશે. "વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ" (ODOP) વિલેજ રાજ્યની વિશિષ્ટ કારીગરી અને સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરશે. આ સમિટમાં 60થી વધુ દેશોના પ્રતિનિધિઓ, વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના અધિકારીઓ, ભારતના 300થી વધારે અગ્રણી ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને નીતિ ઘડવૈયાઓ સામેલ થશે.
પ્રધાનમંત્રી ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે. તેમને અનુરૂપ ભાગલપુરમાં તેમના દ્વારા કેટલીક મહત્વપૂર્ણ પહેલો હાથ ધરવામાં આવશે. તેઓ ભાગલપુરમાં પીએમ કિસાનનો 19મો હપ્તો જાહેર કરશે. દેશભરના 9.7 કરોડથી વધુ ખેડૂતોને રૂ. 21,500 કરોડથી વધુનો સીધો નાણાકીય લાભ મળશે. પ્રધાનમંત્રીનું નોંધપાત્ર ધ્યાન એ સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત છે કે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે વધુ સારું મહેનતાણું મળે. આ બાબતને ધ્યાનમાં રાખીને, 29 ફેબ્રુઆરી, 2020ના રોજ તેમણે 10,000 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (FPO)ની રચના અને સંવર્ધન માટે કેન્દ્રીય ક્ષેત્રની યોજના શરૂ કરી હતી, જે ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનોનું સામૂહિક માર્કેટિંગ અને ઉત્પાદન કરવામાં મદદ કરે છે. પાંચ વર્ષની અંદર પ્રધાનમંત્રીની ખેડૂતો પ્રત્યેની આ પ્રતિબદ્ધતા પૂર્ણ થઈ છે, જેમાં તેમણે આ કાર્યક્રમ દરમિયાન દેશમાં 10,000માં એફપીઓની રચનાના સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત નિર્મિત મોતિહારીમાં સ્વદેશી જાતિઓ માટે ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદઘાટન કરશે. તેના મુખ્ય ઉદ્દેશોમાં અત્યાધુનિક આઇવીએફ ટેકનોલોજીની રજૂઆત, વધુ પ્રચાર-પ્રસાર માટે સ્વદેશી જાતિઓના ચુનંદા પ્રાણીઓનું ઉત્પાદન અને આધુનિક પ્રજોત્પતિ તકનીકમાં ખેડૂતો અને વ્યાવસાયિકોને તાલીમ આપવાનો સમાવેશ થાય છે. તેઓ બરૌનીમાં દૂધ ઉત્પાદન પ્લાન્ટનું ઉદઘાટન પણ કરશે, જેનો ઉદ્દેશ 3 લાખ દૂધ ઉત્પાદકો માટે સંગઠિત બજાર બનાવવાનો છે. કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી 526 કરોડ રૂપિયાથી વધારે મૂલ્યનો વારિસાલીગંજ – નવાદા-ટિલૈયા રેલવે સેક્શન અને ઇસ્માઇલપુર-રફીગંજ રોડ ઓવર બ્રિજને બમણો કરવા દેશને સમર્પિત કરશે.
પ્રધાનમંત્રી આસામમાંપ્રધાનમંત્રી ઝુમોઇર બિનાન્દિની (મેગા ઝુમોઇર) 2025માં ભાગ લેશે, જે એક અદભૂત સાંસ્કૃતિક ઉત્સવ છે, જેમાં 8,000 કલાકારોએ ઝુમોઇર નૃત્યમાં ભાગ લીધો છે, જે આસામ ટી ટ્રાઇબ અને આસામના આદિવાસી સમુદાયનું લોકનૃત્ય છે, જે સર્વસમાવેશકતા, એકતા અને સાંસ્કૃતિક ગૌરવની ભાવનાને મૂર્તિમંત કરે છે તથા આસામની સમકાલીન સાંસ્કૃતિક મેલેંગનું પ્રતીક છે. મેગા ઝુમોઇર ઇવેન્ટ ચા ઉદ્યોગના 200 વર્ષ અને આસામમાં ઔદ્યોગિકરણના 200 વર્ષનું પ્રતીક છે. પ્રધાનમંત્રી 25થી 26 ફેબ્રુઆરી દરમિયાન ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન પણ કરશે. તેમાં ઉદઘાટન સત્ર, સાત મંત્રીસ્તરીય સત્રો અને 14 વિષયોના સત્રો સામેલ હશે. તેમાં રાજ્યના આર્થિક પરિદ્રશ્યને દર્શાવતા એક વ્યાપક પ્રદર્શનનો પણ સમાવેશ કરવામાં આવશે, જેમાં તેના ઔદ્યોગિક વિકાસ, વૈશ્વિક વેપાર ભાગીદારી, તેજીવાળા ઉદ્યોગો અને વાઇબ્રન્ટ એમએસએમઇ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં 240થી વધુ પ્રદર્શકો દર્શાવવામાં આવશે. આ સમિટમાં વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વૈશ્વિક નેતાઓ અને રોકાણકારો, નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગના નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સ અને વિદ્યાર્થીઓ સહિત અન્ય સંસ્થાઓ ભાગ લેશે.