અમદાવાદના નિકોલમાં 25મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન વિશાળ જનસભાને સંબોધશે
- અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા યોજાશે,
- વરસાદની આગાહીને લઈને વિશાળ જર્મન વોટરપ્રૂફ ડોમ બનાવવાનો પ્રારંભ,
- ભાજપ દ્વારા વડાપ્રધાનને આવકારવા 1000થી વધુ બેનરો લગાવાશે,
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 24મી ઓગસ્ટથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન વડનગર તેમજ બેચરાજીની મુલાકાત લેશે. ત્યારબાદ અમદાવાદના નિકોલમાં 25મી ઓગસ્ટને સોમવારે સાજે જંગી જાહેર સભાને સંબોધશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એક લાખ જેટલા લોકો જાહેર સભામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વરસાદની આગાહી હોવાથી નિકોલ ખાતેના ખોડલધામ ગ્રાઉન્ડમાં વિશાળ વોટરપ્રુફ જર્મન ડોમ બનાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી ઓગસ્ટથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન 25મીએ સાંજે 4.30 વાગ્યે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધશે. રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એક લાખ જેટલા લોકો જાહેર સભામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નિકોલ ખાતે ખોડલધામ ગ્રાઉન્ડમાં વિશાળ વોટરપ્રુફ જર્મન ડોમ બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના છ મહિના પહેલા વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મેંગો સિનેમાથી ભક્તિ સર્કલ તરફ જવાના રોડ ઉપર આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભા યોજાશે, જેના માટે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રીંગરોડથી નજીક અને વિશાળ ગ્રાઉન્ડ હોવાના કારણે આ ગ્રાઉન્ડને પસંદ કરવામાં આવ્યું છે. પહેલા નિકોલ ડિ-માર્ટ સામેના ગ્રાઉન્ડની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ ત્યાં વરસાદના કારણે ખૂબ જ કાદવ કિચડ અને ઝડપી કામગીરી થઈ શકે તેમ ના હોવાથી ગ્રાઉન્ડ બદલવામાં આવ્યું છે.
અમદાવા શહેર પોલીસ દ્વારા પણ વડાપ્રધાનના આગમનને લઈને સુરક્ષા વ્યવસ્થા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગ્રાઉન્ડની સામેના ભાગે આવેલા રોડ ઉપર બે પ્લોટમાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. શહેર ભાજપ દ્વારા વડાપ્રધાનની જાહેર સભાને લઈને અત્યારથી જ તૈયારીઓ અને વિવિધ આયોજનો માટે બેઠક કરવામાં આવી રહી છે. શહેર ભાજપ પ્રમુખ દ્વારા પૂર્વ વિસ્તારની નરોડા, નિકોલ, ઠક્કરબાપાનગર, વટવા, બાપુનગર વિધાનસભાના ધારાસભ્યો કોર્પોરેટરો અને શહેર સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરીને જાહેર સભાને સફળ બનાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ભાજપ દ્વારા શહેરના નિકોલ અને નરોડા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારતા નાના મોટા 1000થી વધારે બેનરો લગાવવામાં આવશે.