ભાવનગરની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મી સપ્ટેમ્બરે આવશે
- વડાપ્રધાન મોદી જવાહર મેદાનમાં જાહેર સભાને સંબોધશે,
- શહેર-જિલ્લાના અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે,
- ભાવનગર શહેરમાં મોદીનો રોડ શો યોજાશે
ભાવનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી તા. 20મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ભાવનગરની મુલાકાતે આવશે, વડાપ્રધાનના હસ્તે વિકાસના કામોનું લોકાર્પણ, રોડ શો અને જવાહર મેદાનમાં જાહેર જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના આગમનને લઈને વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓ માટે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડો. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ડો. મનીષકુમાર બંસલે જણાવ્યું હતું કે 20 સપ્ટેમ્બરે ભાવનગરના જવાહર મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા યોજાશે. ભારત સરકારના શિપિંગ મંત્રાલય, ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં પોર્ટ એન્ડ શિપિંગને લગતી પોલિસી અંગે તેમજ મહત્ત્વના કેટલાક એમઓયુ પણ થશે. આ ઉપરાંત વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ તથા રોડ શો યોજાશે. આ કાર્યક્રમને લઈ જિલ્લા વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.
વડાપ્રધાન મોદીના સંભવિત પ્રવાસને લઈને છેલ્લા બે દિવસથી જિલ્લા વહીવટી તંત્ર અને સરકારના અન્ય વિભાગોની બેઠક શરૂ થઈ છે અને તંત્ર દ્વારા રોડ-રસ્તા સહિતની કામગીરીઓ પુરજોશમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર, કોર્પોરેશન ઉપરાંત શાસક પક્ષ દ્વારા વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યારસુધી તંત્ર દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહોતી, પરંતુ આજે બપોર બાદ અચાનક જ વહીવટી તંત્ર દ્વારા એકાએક બેઠક બોલવામાં આવી હતી અને દોડધામ શરૂ થઈ ગઈ હતી અને તંત્રએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 20ના રોજ ભાવનગર આવી રહ્યા છે એવી સત્તાવાર જાહેરાત કરી હતી.
વડાપ્રધાનના કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટર સહિત વર્ગ એક કક્ષાના અધિકારીઓના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની 27 જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે કોર કમિટી સહિત તમામ કમિટીઓ સાથે કાર્યક્રમના આયોજનને લઈને વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્ય જિતુભાઇ વાઘાણી, મેયર ભરતભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ, ભાજપ-અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ, મ્યુનિસિપલ કમિશનર એન. કે. મીણા, પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેકટર એન.ડી.ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરુ સહિત વિવિધ સમિતિઓના અધ્યક્ષ અને સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.