પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશોની યાત્રા પૂર્ણ કરી સ્વદેશ ફરશે પરત
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશોની યાત્રા સંપન્ન કરીને સ્વદેશ આવવા રવાના થયા છે. પ્રધાનમંત્રીએ તેમના પ્રવાસ દરમિયાન નાઈજિરિયા, બ્રાઝિલ અને ગયાનામાં કેટલાય સંમેલનો અને બેઠકોમાં સામેલ થયા. ગયાનાની બે દિવસીય મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં રાજધાનીમાં એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને રામ ભજનમાં ભાગ લીધો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયાનાની રાજધાની જ્યોર્જટાઉનમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો. ભારત-ગયાનાનાં મજબૂત અને ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કરતાં PMએ ભારતીય સમુદાયનાં યોગદાનની પ્રશંસા કરી. PM મોદીએ બંને દેશોના સમાન મૂલ્યોનો ઉલ્લેખ કર્યો. PM મોદીએ બે દાયકાથી વધુ સમય પહેલાની તેમની ગયાનાની મુલાકાતને યાદ કરી. પ્રધાનમંત્રીએ બંને દેશોને જોડવામાં સંસ્કૃતિ, ખોરાક અને ક્રિકેટની મહત્વની ભૂમિકા સમજાવી. PMએ કહ્યું કે, બંને દેશો તેમની સાંસ્કૃતિક વિવિધતા ઉજવે છે.
પ્રધાનમંત્રીએ ભારતની વિકાસ યાત્રાનો વિગતવાર ઉલ્લેખ કર્યો. PMએ કહ્યું કે, માળખાગત વિકાસની દિશામાં અભૂતપૂર્વ ગતિએ કામ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયાનાની સંસદમાં એક વિશેષ સભાને સંબોધિત કરી. PMએ વિશ્વને સંઘર્ષ ટાળવા અને સહકારના માર્ગ પર આગળ વધવાનો સંદેશ આપ્યો.પ્રધાનમંત્રીએ કહ્યું કે, આતંકવાદ, સાયબર અપરાધ અને પર્યાવરણીય પડકારોને ધ્યાનમાં રાખીને, વિશ્વએ સંઘર્ષ તરફ નહીં, સહકાર તરફ આગળ વધવું જોઈએ.