પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળમાં અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. શ્રી મોદી બિહારના ગયામાં લગભગ 13 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ બે ટ્રેનોને લીલી ઝંડી આપશે અને સભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ ગંગા નદી પર બનેલા ઓંટ સિમરિયા પુલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. જેનાથી મોકામા અને બેગુસરાય વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરશે. આ નવો પુલ ઉત્તર અને દક્ષિણ બિહાર વચ્ચે મુસાફરીનું અંતર 100 કિલોમીટરથી વધુ ઘટાડશે.પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-31ના ચાર-માર્ગીય બખ્તિયારપુર-મોકામા સેક્શનનું ઉદ્ઘાટન કરશે તથા ગયા અને દિલ્હી વચ્ચે અમૃત-ભારત એક્સપ્રેસ અને વૈશાલી અને કોડરમા વચ્ચે બૌદ્ધ સર્કિટ ટ્રેનને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રી પ્રતીકાત્મક રીતે કેટલાક લાભાર્થીઓને ઘરોની ચાવીઓ સોંપશે.
પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી આજે સાંજે કોલકાતામાં નવા બનેલા વિભાગો પર મેટ્રો ટ્રેન સેવાનું ઉદ્ઘાટન કરશે. તેઓ જેસોર રોડ મેટ્રો સ્ટેશનથી જય હિંદ વિમાન બંદર સ્ટેશન સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. ત્યારબાદ તેઓ કોલકાતામાં પાંચ હજાર બસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રસંગે તેઓ લોકોને સંબોધન પણ કરશે.