વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહાન પ્રધાનમંત્રી છે : ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને તેમને “ગ્રેટ પ્રાઈમ મિનિસ્ટર” ગણાવ્યા. તેમણે કહ્યું કે, “હું હંમેશા મોદીના મિત્ર રહીશ.” ટ્રમ્પના આ નિવેદન પછી થોડા જ કલાકોમાં પ્રધાનમંત્રી મોદીએ શનિવારે પોતાના X હેન્ડલ પર લખ્યું: “પ્રેસિડન્ટ ટ્રમ્પની લાગણીઓને હું દિલથી વખાણું છું અને તેનો સંપૂર્ણ પ્રતિસાદ આપું છું. ભારત અને અમેરિકા વચ્ચે અત્યંત સકારાત્મક અને ભવિષ્યલક્ષી વ્યાપક તેમજ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે.”
ટ્રમ્પે કહ્યું: “તે (મોદી) મહાન પ્રધાનમંત્રી છે. તે ઉત્તમ છે. હું હંમેશા તેમનો મિત્ર રહીશ, પરંતુ હાલ તેઓ જે કરી રહ્યા છે તે મને પસંદ નથી. પરંતુ ભારત અને અમેરિકા વચ્ચે વિશેષ સંબંધ છે. ચિંતા કરવાની જરૂર નથી.” ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે તેઓ મોદી સાથે સારા સંબંધો ધરાવે છે, પરંતુ ભારત દ્વારા રશિયન તેલની ખરીદી અંગે તેઓ નિરાશ છે. “મને ખૂબ નિરાશા થઈ છે કે ભારત ખુબ વધુ તેલ રશિયા પાસેથી ખરીદી રહ્યું છે. અમે તેના પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે,” ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પર મોદી, શી જિનપિંગ અને પુતિનનો ફોટો પોસ્ટ કરીને લખ્યું: “લાગે છે કે અમે ભારત અને રશિયાને ચીનના હાથે ગુમાવી દીધા છે. તેઓ લાંબા અને સમૃદ્ધ ભવિષ્ય સાથે રહે, એવી શુભેચ્છા.”
ટ્રમ્પના આ નિવેદનો બાદ તેમના સમર્થકો અને પ્રશાસન તરફથી પણ ભારત વિરુદ્ધ વાણી વધુ કડક બની. વ્હાઈટ હાઉસ સલાહકાર પીટર નવારોએ દાવો કર્યો કે ભારતના ઊંચા ટેરિફના કારણે અમેરિકન નોકરીઓ ગુમાવે છે. ટ્રમ્પની સહયોગી લૌરા લૂમરે પણ દાવો કર્યો કે પ્રશાસન અમેરિકન IT કંપનીઓને ભારતીય કંપનીઓને આઉટસોર્સિંગ કરવાનો પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહ્યું છે, જોકે તેમણે કોઈ પુરાવા આપ્યા નહોતા. અમેરિકાના કોમર્સ સચિવ હોવર્ડ લુટનિકે કહ્યું: “ભારત પોતાનો બજાર ખોલવા માંગતું નથી. તેમને રશિયન તેલ ખરીદવાનું બંધ કરવું જોઈએ અને BRICSમાંથી બહાર આવવું જોઈએ. જો તમે અમેરિકા સાથે રહેવા માંગો છો તો ડોલરને સપોર્ટ કરો, અમેરિકન કન્સ્યુમરને સપોર્ટ કરો, નહીં તો 50 ટકા ટેરિફ ભરવો પડશે.” બીજી તરફ, ભારતના નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે ભારત રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખશે. “અમે અમારું તેલ ત્યાંથી ખરીદશું જ્યાંથી અમારા માટે યોગ્ય હશે. અમે નિઃસંદેહ ખરીદી કરીશું.”