For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વૈષ્ણો દેવી ભૂસ્ખલન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

05:51 PM Aug 27, 2025 IST | revoi editor
વૈષ્ણો દેવી ભૂસ્ખલન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
Advertisement

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી માતા વૈષ્ણો દેવી મંદિર માર્ગ પર ભૂસ્ખલનને કારણે જીવ ગુમાવનારા લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના પણ કરી છે. મંગળવારે ભારે વરસાદ વચ્ચે શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા માર્ગ પર અર્ધકુવારી નજીક પહાડી પરથી પથ્થરો અને કાટમાળ પડવાથી આ ઘટના બની હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે હાલમાં શ્રી માતા વૈષ્ણો દેવીની યાત્રા રોકી દેવામાં આવી છે.

Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, "શ્રી માતા વૈષ્ણો દેવી મંદિર માર્ગ પર ભૂસ્ખલનને કારણે થયેલ જાનમાલની હાનિ દુઃખદ છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. વહીવટીતંત્ર તમામ અસરગ્રસ્ત લોકોને મદદ કરી રહ્યું છે. હું દરેકની સુરક્ષા અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું."

આ દરમિયાન, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ 'X' પર પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી હોવાની માહિતી આપી. તેમણે લખ્યું, "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી. મેં તેમને જમ્મુ-કાશ્મીરના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિ વિશે માહિતી આપી. હું જમ્મુ-કાશ્મીરના લોકોને સતત સહાય આપવાના તેમના આશ્વાસન માટે આભારી છું."

Advertisement

એનડીઆરએફના ડીઆઈજી મોહસેન શાહેદીએ મીડિયાને જણાવ્યું કે, અત્યાર સુધીમાં 30 લોકોના મૃત્યુ અને 15 લોકોના ઘાયલ થવાની માહિતી છે. તેમણે ઉમેર્યું કે સ્થાનિક વહીવટીતંત્ર સાથે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો બચાવ કાર્યમાં લાગી છે. હવામાન સુધરતા જ આ કાર્યવાહીમાં વધુ ઝડપ આવશે.

જમ્મુમાં પૂર અને ભૂસ્ખલન વિશે પણ માહિતી આપી. તેમણે કહ્યું કે દૂરના અને સરહદી વિસ્તારોમાં પણ ભારે પૂર આવ્યું છે, જ્યાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. અખનૂર, સાંબા અને રિયાસી જેવા વિસ્તારોમાં બચાવ અભિયાન સતત ચાલી રહ્યું છે. દિલ્હી અને લુધિયાણાથી પણ વધારાની ટીમો મોકલવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement