વડાપ્રધાન મોદી આજથી જાપાનના પ્રવાસે, ભારત-જાપાન શિખર સંમેલનમાં ભાગ લેશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી જાપાનની યાત્રા પર જશે અને 15માં ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ મોદીજીની જાપાનની આઠમી મુલાકાત હશે. ત્યારબાદ તેઓ 31 ઑગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ચીનના તિયાનજિન શહેરમાં યોજાનાર શાંઘાઈ સહયોગ પરિષદ (SCO)ના રાષ્ટ્રપ્રમુખોના 25માં શિખર સંમેલનમાં પણ હાજરી આપશે.
મોદીજી 29 અને 30 ઑગસ્ટે જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા સાથે મુલાકાત કરશે. આ બેઠક દરમિયાન બંને દેશોની વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની સમીક્ષા કરવામાં આવશે. જેમાં રક્ષણ-સુરક્ષા, વેપાર-આર્થિક સહકાર, ટેક્નોલોજી-નવાચાર જેવા મુદ્દાઓ તથા પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના વિષયો પર ચર્ચા થશે.
PM મોદી અને જાપાનના પ્રધાનમંત્રી ઇશિબા વચ્ચેની આ પહેલી વાર્ષિક શિખર બેઠક છે અને છેલ્લા સાત વર્ષમાં PM મોદીની જાપાન યાત્રા પણ પહેલી છે. 2018માં છેલ્લી વખત મોદીજી શિખર સંમેલન માટે જાપાન ગયા હતા. 2014માં પ્રધાનમંત્રી બન્યા પછી તેમની જાપાનની આઠમી યાત્રા હશે.
પ્રવાસના બીજા તબક્કામાં, PM મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર 31 ઑગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી તિયાનજિનમાં યોજાનાર SCO શિખર સંમેલનમાં ભાગ લેશે. 31 ઑગસ્ટે સાંજે સ્વાગત ભોજન રહેશે અને મુખ્ય બેઠક 1 સપ્ટેમ્બરે યોજાશે.
અપેક્ષા છે કે PM મોદી SCO શિખર સંમેલન દરમિયાન કેટલીક દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. SCOના દસ સભ્યોમાં ભારત ઉપરાંત બેલારુસ, ચીન, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સામેલ છે.