પ્રધાનમંત્રી મોદીની ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સાથે મુલાકાત
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત અંગેની માહિતી તેમણે વ્યક્તિગત રીતે એક્સ (પૂર્વ ટ્વિટર) પર આપી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, તેમની સાથે વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે સી.પી. રાધાકૃષ્ણને 12 સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. 9 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીમાં તેઓએ ઐતિહાસિક જીત મેળવી હતી. શાસક પક્ષના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન સામે વિપક્ષે બી. સુદર્શન રેડ્ડીને ઉમેદવાર બનાવ્યા હતા. આ ચૂંટણીમાં રાધાકૃષ્ણને 452 મત મળ્યા હતા, જ્યારે બી. સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા હતા. આ રીતે તેઓએ 152 મતોથી વિજય મેળવ્યો હતો. ચૂંટણીમાં કુલ 98.2 ટકા મતદાન નોંધાયું હતું.
વિજય બાદ પ્રધાનમંત્રી મોદીએ તેમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે “મને વિશ્વાસ છે કે તેઓ એક ઉત્કૃષ્ટ ઉપરાષ્ટ્રપતિ બનશે અને આપણા બંધારણીય મૂલ્યો તથા સંસદીય પરંપરાને વધુ મજબૂત બનાવશે. તેમનું જીવન હંમેશા સમાજ સેવા અને ગરીબો તથા વંચિતોના સશક્તિકરણ માટે સમર્પિત રહ્યું છે.”
સી.પી. રાધાકૃષ્ણનનો જન્મ 20 ઓક્ટોબર 1957ના રોજ તમિલનાડુના તિરુપ્પુરમાં થયો હતો. તેઓ કોંગુ વેલ્લાર ગૌંડર સમુદાય સાથે જોડાયેલા છે, જે પશ્ચિમ તમિલનાડુમાં પ્રભુત્વ ધરાવે છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઇ. પલાનીસ્વામી પણ આ સમુદાયમાંથી આવે છે. સી.પી. રાધાકૃષ્ણનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના માનવામાં આવે છે. તેમની સંઘ પૃષ્ઠભૂમિને કારણે તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો મજબૂત ટેકો પણ પ્રાપ્ત છે. તેમણે પોતાની રાજકીય સફર આરએસએસ અને જનસંઘ સાથે શરૂ કરી હતી.