પ્રધાનમંત્રીએ ગુજરાતની પહેલી અમૃત ભારત ઍક્સપ્રેસ ટ્રૅનનો શુભારંભ કરાવ્યો
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાથી વર્ચ્યૂઅલ માધ્યમથી આજે ગુજરાતની પહેલી અમૃત ભારત ઍક્સપ્રેસ ટ્રૅનનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ ઉધના રેલવે મથક ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આધુનિક ઍસી વગરની સ્લિપર ટ્રૅન સુરતના ઉધના અને ઓડિશાના બ્રહ્મપુર વચ્ચે દોડશે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ઓડિશાના બ્રહ્મપુરથી સુરતના ઉધના સ્ટેશન સુધી આ ટ્રેન શરૂ થતાં ઓડિશાના લોકો આનંદીત થશે કારણ કે, સમગ્ર દેશમાંથી અસંખ્ય લોકો સુરત સાથે જોડાયેલા છે.
અદ્યતન અને આધુનિક સુવિધાથી સજ્જ આ ટ્રૅનથી પશ્ચિમ ભારત અને ઓડિશા વચ્ચે મુસાફરી ઝડપી, સરળ અને સસ્તી બનશે. તેમજ શ્રમિકો, વિદ્યાર્થીઓ અને વેપારીઓની મુસાફરી સરળ બનશે. ટ્રૅનમાં યાત્રાળુઓ અને પ્રવાસીઓની મુસાફરી સુવિધાજનક રહેશે. સાથે જ સીધા જ જોડાણથી સ્થાનિક વ્યવસાય અને સામાજિક પ્રવૃત્તિઓને લાભ થશે.
સાથે જ શ્રી વૈષ્ણવે બૂલેટ ટ્રૅન મથકની મુલાકાત લીધી. મથકમાં પ્રતિક્ષા કક્ષ, શિશુમંદિર, આરામ કક્ષ, વિવિધ હાટડી વગેરે સુવિધા ઉપલબ્ધ છે. દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે સીડીઓની પણ વ્યવસ્થા છે.