સુરતમાં લેબગ્રોન હીરાના ભાવમાં 20થી 25 ટકાનો વધારો કરાયો
- રત્ન કલાકારોને પુરતી મજુરી આપવા માટે ભાવમાં વધારો કરાયો
- 5500 રૂપિયામાં મળતો 1 કેરેટનો હીરો હવે 7000માં વેચાશે
- નેચરલ ડાયમન્ડમાં મંદીને લીધે હવે લેબગ્રોન હીરા તરફ વેપારીઓ વળ્યા
સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાક વર્ષોથી મંદી ચાલી રહી છે. વ્યાપક મંદીને કારણે હવે વેપારીઓ નેચરલ ડાયમન્ડને બદલે લેબગ્રોન ડાયમન્ડ તરફ વળ્યા છે. અને રત્ન કલાકારોને રોજગારી પણ મળી રહી છે. પણ રત્ન કલાકારોને કામ પ્રમાણે વેતન મળતું ન હોવાથી હડતાળ પાડવામાં આવી હતી. ત્યારબાદ રત્નકલાકારોના વેતનમાં વધારો કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. તેથી કારખાનેદાર વેપારીઓએ લેબગ્રોન ડાયમન્ડના ભાવમાં 20થી 25 ટકાનો વધારો કરાયો છે. પતલી સાઈઝના હીરાનો ભાવ 2500થી 3500 કરાયો છે. 10 એપ્રિલથી જ અમલ શરૂ ભાવ વધારો કરાયો અમલ કરી દેવાયો છે.
હીરા બજારના વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ લેબગ્રોન હીરાના ભાવોમાં સતત ઘટાડો થતો હોવાને કારણે તૈયાર હીરાના ભાવમાં 20થી 25 ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંદાજીત 5500 રૂપિયામાં મળતો 1 કેરેટ લેબગ્રોન હીરો હવે 7000 રૂપિયામાં વેચાશે. નેચરલ ડાયમંડ ઉદ્યોગમાં વ્યાપક મંદી હોવાને કારણે શહેરનાં 80 ટકા કારખાનાંમાં લેબગ્રોનનું કટ એન્ડ પોલિશ્ડ થઈ રહ્યું છે. જો કે, તૈયાર લેબગ્રોનના ભાવ સતત ઘટી રહ્યા હોવાથી કારખાનાં ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી. દરમિયાન શહેરના 500 વેપારીઓએ બેઠક યોજી તૈયાર લેબગ્રોનના ભાવમાં 20થી 25 ટકાનો વધારો કરવા નિર્ણય લીધો છે. જેમાં મેલે સાઈઝ (પતલી સાઈઝ)ના એક કેરેટ હીરાનો ભાવ 2000થી 2500 હતો જે 3000થી 3500 કરાયો છે.જેનો અમલ 10 એપ્રિલથી જ શરૂ કરાયો છે. વેપારીઓના મતે, લેબગ્રોન હીરાના કટ એન્ડ પોલિશ્ડનાં કારખાનાં ચલાવવામાં મુશ્કેલી પડી રહી અને કર્મચારીઓની મજૂરી પણ પુરતી આપી શકાતી ન હતી, જેના કારણે ભાવ વધારો કરવો જરૂરી બની ગયો હતો.
સૂત્રોના કહેવા મુજબ સુરતના વેપારીઓ રોકડેથી વેચાણ કરે તો ખરીદનારા વેપારી 7થી 8 ટકા સુધી સુધી વટાવ કાપતા હતા, જેથી વેપારીઓને નુકસાન થતું હતું. આમ, વેપારીઓ દ્વારા આ મીટિંગમાં વટાવ 4 ટકા સુધી જ આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે. ગત દિવાળી દરમિયાન લેબગ્રોન હીરાની ખુબ જ ડિમાન્ડ રહી હતી. આ સમયગાળા દરમિયાન તૈયાર લેબગ્રોન હીરાના ભાવ પણ સ્થિર રહ્યા હતા, પરંતુ ત્યાર બાદ લેબગ્રોન હીરાનું ઓવર પ્રોડક્શન થઈ જતાં તેના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો, જેથી બેઠક કરીને તૈયાર લેબગ્રોન હીરામાં ભાવ વધારો કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. 10 એપ્રિલથી જ ભાવ વધારાનો અમલ શરૂ થઈ ગયો છે.