અમદાવાદના ચંડોળા તળાવમાં આજે બીજા દિવસે પણ દબાણો હટાવાયાં, 2000 ઝૂંપડા તોડી પડાયા
- ચંડોળા તળાવની એક લાખ ચો.મીટર જગ્યા ખૂલ્લી કરાવાઈ
- ઘણા રહિશોએ જાતે જ ઝૂંપડા ખાલી કરી દીધા
- હર્ષ સંઘવીનું નિવેદન, બાંગ્લાદેશીઓને પરત મોકલીશું
અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલેશન આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યું હતું. પોલીસના સઘન બંદોબસ્ત સાથે મ્યુનિ.કોર્પોરેશનની ટીમોએ ગેરકાયદે બાંધકામો પર મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બુધવારે બપોર સુધીમાં કાચા-પાકા મકાનો અને 2000થી વધુ ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા હતા. દબાણો હટાવાતા ચંડોળા તળાવ વિસ્તારની એક ચોરસ મીટર જમીન ખૂલ્લી થઈ છે. દરમિયાન રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશીઓને પરત મોકલીશું, લલ્લાનાં ત્રણ મકાનોમાં સર્ચ, સંવેદનશીલ દસ્તાવેજો મળ્યા છે. બાંગ્લાદેશીઓ બાળકીઓ પાસે દેહ વેપાર પણ કરાવતા હતા.
ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ચંડોળા ખાતે થઈ રહ્યું છે. આજે 30 એપ્રિલે બીજા દિવસે દાણીલીમડા તરફના ભાગથી શરૂઆત કરાઈ હતી. આ દરમિયાન કેટલાક લોકો જાતે જ મકાન ખાલી કરતા જોવા મળ્યા તો કેટલાક લોકોએ હોબાળો પણ મચાવ્યો હતો. કામગીરી દરમિયાન પોલીસ અને કોર્પોરેશન વચ્ચે સંકલનનો અભાવ પણ જોવા મળ્યો હતો. મેગા ડિમોલેશનમાં અંદાજે 2000 જેટલા બાંગ્લાદેશી નાગરિક દ્વારા બનાવાયેલા કાચા-પાકા ઝૂંપડા દૂર કર્યા હતા. આમ અંદાજે 1 લાખ ચો.મી. દબાણયુક્ત તળાવનો ભાગ ખુલ્લો કર્યો હતો. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. શૈલેષ પરમારે કહ્યું હતું કે બાંગ્લાદેશીઓ સામેના એક્શનમાં અમે સરકાર સાથે છીએ, પણ ચંડોળા વિસ્તારમાં દરેક ધર્મના લોકો છેલ્લાં 50 વર્ષથી રહે છે. ડિમોલિશનની કામગીરી ગેરકાયદે થઈ રહી છે.
શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા ડિમોલિશનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા લલ્લા બિહારીના ફાર્મ હાઉસ ખાતે અંદાજે 150 ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નાના ચંડોળા તળાવમાં આવેલા અંદાજીત 2000 જેટલા બાંગ્લાદેશી નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા કાચા-પાકા ઝૂંપડા દૂર કર્યા હતા.આમ અંદાજે 1 લાખ ચો.મી. જેટલો દબાણયુક્ત તળાવનો ભાગ ખુલ્લો કરવામાં આવ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચ જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે બાંગ્લાદેશી આતંકી સંગઠન જમાત ઉલ બાંગ્લાદેશ અમદાવાદ સહિત અલગ અલગ શહેરમાં સ્લીપર સેલ એક્ટિવ કરવા માગે છે. આ માટે તેને ચંડોળાના લોકોનો સંપર્ક પણ કર્યો હતો.વર્ષ 2022માં ચંડોળામાંથી ગુજરાત ATSએ 4 અલકાયદાના આતંકવાદી પકડ્યા હતા. આ મામલે NIAની તપાસ ચાલી રહી છે. બીજા આતંકવાદી પણ ચંડોળામાં કોઈના સંપર્કમાં રહેવા માગતા હતા. અહીં ડ્રગ્સના કેસ પણ થયા છે. અહીંથી જ ડ્રગ્સની મોટી કાર્ટેલ ઓપરેટ થતી હતી. આ સાથે જ પ્રોસ્ટિટ્યૂટનું પણ મોટું રેકેટ ચાલતું હતું. ઝડપાયેલી બાંગ્લાદેશી મહિલાઓ પાસે દેહવિક્રયનો ધંધો કરાવાતો હતો.