સુરતમાં રેલવે સ્ટેશન નજીક 50 વર્ષથી સરકારી જમીન પર કરાયેલા દબાણો હટાવાયા
- જિલ્લા પંચાયતે દબાણ હટાવની કાર્યવાહી હાથ ધરી,
- 1960ના વર્ષમાં પેઢીઓને 7 વર્ષ માટે જમીન લીઝ પર આપવામાં આવી હતી
- સરકારી જમીન પર પેટ્રોલ પંપ અને ટ્રાવેલ્સની ઓફિસો બની ગઈ હતી
સુરતઃ શહેરના રેલવે સ્ટેશન નજીકની જિલ્લા પંચાયતની માલિકીની જમીન પરના 50 વર્ષ જૂના દબાણો હટાવવામાં આવ્યા હતા. આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન ડીડીઓ પણ હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયતની માલિકીની કિંમતી સરકારી જમીન પર ઓટોમોબાઇલ્સ તથા ટ્રાવેલર્સ દ્વારા અનધિકૃત રીતે દબાણ કરી કબજો જમાવ્યો હતો. નોટિસ આપ્યા પછી પણ જગ્યા ખાલી ન કરતા આ દબાણો જિલ્લા પંચાયતે ગેરકાયદે દબાણો તોડી પાડ્યા હતા.
સુરતમાં જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની રૂ.100 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી અનધિકૃત દબાણો દૂર કરાયા છે. રેલવે સ્ટેશન નજીક દિલ્લી ગેટ, રિંગરોડના વોર્ડ નં.7, સિટી સર્વે નં. 6ની અંદાજે 8037 ચોરસ મીટર વિસ્તારની જિલ્લા પંચાયતની માલિકીની કિંમતી સરકારી જમીન પર અનધિકૃત રીતે દબાણ કરી કબજો જમાવ્યો હતો. નોટિસ આપ્યા પછી પણ જગ્યા ખાલી ન કરતા આ દબાણો જિલ્લા પંચાયતે ડિમોલિશનથી તોડી પાડ્યા છે. આ જમીન જિલ્લા લોકલ બોર્ડ-સુરતની હતી, ત્યારબાદ વર્ષ 1961થી જિલ્લા લોકલ બોર્ડનું વિસર્જન થતા આ મિલકત હાલ જિલ્લા પંચાયત હસ્તક છે. વર્ષ 1960ના અરસામાં ઉપરોક્ત પેઢીઓને આ જમીન માત્ર 7 વર્ષ માટે લીઝ પર આપવામાં આવી હતી. મુદ્દત પુરી થતા જિલ્લા પંચાયત સુરતની કમ્પેટેન્ટ ઓથોરિટી દ્વારા જમીન ખાલી કરવા અલગ-અલગ નોટીસ આપાઈ હતી પરંતુ, હાલના કબજાદારે જે તે વખતના લીઝ હોલ્ડર સાથે મિલીભગત કરી જિલ્લા પંચાયતની કોઈપણ પ્રકારની પરવાનગી-મંજૂરી વગર છેલ્લા 50 વર્ષથી બિનઅધિકૃત રીતે કબજો કરી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હતુ.
સૂત્રોના કહેવા મુજબ આ દબાણ દૂર કરવા જિલ્લા પંચાયતે કાર્યવાહી શરૂ કરતા દબાણકર્તા કોર્ટમાં ગયા હતા, જેમાં જિલ્લા પંચાયતે અસરકારક બચાવ કરતા કોર્ટે જિલ્લા પંચાયતની તરફેણમાં કેસનો ચુકાદો આપ્યો હતો તેમછતાં દબાણકર્તા દ્વારા સ્વેચ્છાએ જમીન ખાલી ન કરતા ગુજરાત જાહેર જગ્યાઓ (અનધિકૃત કબજેદારોને ખાલી કરાવવા) અધિનિયમ- 1972 હેઠળ તા.12/05/25થી એક માસમાં દબાણ દૂર કરવા આખરી હુકમ કર્યો હતો. દરમિયાન ફાયર વિભાગ, પોલીસ તંત્ર, ઇલેક્ટ્રીસિટી વિભાગ, અન્ય સબંધિત વિભાગને સાથે રાખી મધ્યરાત્રીએ સ્થળ પર હાજર જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ડિમોલીશન કરી સરકારી જમીન પર બિનઅધિકૃત દબાણો દૂર કરાયા હતા.