ગાંધીનગરમાં રાયસણ-રાંદેસણના સર્વિસ રોડ પર બે મંદિર સહિતના દબાણો હટાવાયા
- સર્વિસ રોડ પર શનિદેવ મંદિર અને દિપેશ્વરી માતાજીનું મંદિર દૂર કરી દેવાયું,
- લોકોનો વિરોધ ન થાય તે માટે મધરાતે દબાણો હટાવવાની કાર્યવાહી કરાઈ
- સરકારી જમીન પર બનાવાયેલું શનિદેવ મંદિર રસ્તા પર ટ્રાફિકની અવરજવરને નડતરરૂપ હતું
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. ત્યારે ગેરકાયદે દબાણો પણ વધ્યા છે. મ્યુનિ.કોર્પોરેશન અને પાટનગર યોજના ભવન દ્વારા દબાણકારોને નોટિસો ફટકારીને ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવતા હોય છે. ત્યારે શહેરના રાંદેસણ- રાયસણ સર્વિસ રોડ પર થયેલા દબાણો હટાવવાની મોડીરાતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં બે ધાર્મિક દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની એસ્ટેટ શાખાના દક્ષિણ ઝોનની ટીમ દ્વારા રાંદેસણ-રાયસણ સર્વિસ રોડ પર બનેલા શનિદેવ મંદિર અને દીપેશ્વરી માતાજીના મંદિરના દબાણ જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના બાદ મ્યુનિ.કોર્પોરેશન અને પોલીસ દ્વારા સમગ્ર સર્વિસ રોડનો સરવે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અહીં ફૂટપાથ પર, રોડ સાઇડ પર અને વેપારીઓના ઓટલા પર ઊભા થયેલા લારી- ગલ્લાના દબાણો હટાવી દેવાયા હતા અને રસ્તો મહત્તમ ખુલ્લો થાય તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી હતી. એ વખતે ધાર્મિક દબાણો પણ ધ્યાનમાં આવ્યા હતા પરંતુ લોકોની ધાર્મિક લાગણી અને આસ્થા જોડાયેલી હોવાને કારણે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી ન હતી.
જીએમસીના સૂત્રોના કહેવા પ્રમાણે સર્વિસ રોડ પર શનિદેવ મંદિર રસ્તા પર ટ્રાફિકની અવરજવરને નડતરરૂપ હોવાથી અને સરકારી જમીન પર ગેરકાયદે બન્યું હોવાથી તેને જાતે હટાવી લેવા માટે મંદિર સાથે જોડાયેલા સંચાલકોને નોટીસ આપવામાં આવી હતી. પરંતુ તેમના તરફથી કોઇપણ પ્રકારનો પ્રતિભાવ નહીં મળતાં આખે મ્યુનિ. દ્વારા મધરાતે 3 વાગ્યે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. સર્વિસ રોડ પર પહેલા શનિદેવ મંદિર નાની દેરી હતી પરંતુ તે પછી ધીમે ધીમે તેનો વ્યાપ વધારી દેવામાં આવ્યો હતો. મંદિર મોટું અને પાક્કું બાંધકામ કરાયું હતું. તેની આસપાસનો વિસ્તાર કવર કરી લઇ ફરતી ફેન્સિંગ કરી દેવામાં આવી હતી અને ખુલ્લી જગ્યામાં ગાર્ડન બનાવવામાં આવ્યું હતું. પાણીની વ્યવસ્થા માટે બે મોટી ટાંકીઓ પણ ઓટલો બનાવીને મૂકાઈ હતી. આ સિવાયની વધારાની જગ્યામાં લોખંડના સ્ટેન્ડ બનાવીને સોલાર પેનલો મૂકાઈ હતી જેના માટે વધારાની જગ્યા કવર કરી લેવાઇ હતી.