પાકિસ્તાનના મિત્ર તુર્કી સામે કરેલી કાર્યવાહીમાં રાષ્ટ્રપતિ એર્દોગનની પુત્રી સુમાયાને લાગ્યો મોટો ફટકો
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે દરમિયાન આ તણાવમાં તુર્કીએ પાકિસ્તાનને ડ્રોન સહિતની મદદ પુરી પાડી હતી. દરમિયાન ભારત સરકારે પાકિસ્તાન ઉપરાંત તુર્કી સામે કાર્યવાહી કરી હતી. દરમિયાન સેલેબી, એક મોટી ટર્કિશ ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની જે વર્ષોથી ભારતમાં સેવાઓ પૂરી પાડી રહી હતી, તે હવે વિવાદનું કેન્દ્ર બની ગઈ છે. ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કંપનીની સેવાઓ રદ કરી હતી. તુર્કીએ ભારતમાં એરપોર્ટ કામગીરીમાં ભારે રોકાણ કર્યું હતું. ભારત સરકારના એક નિર્ણાયક નિર્ણયને કારણે કંપનીને માત્ર બે દિવસમાં ₹2,500 કરોડનું નુકસાન થયું છે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનની પુત્રી સુમાયા એર્દોગનનો પણ સેલેબીમાં હિસ્સો છે. આ રીતે, તેમની પુત્રીને પણ મોટો ફટકો લાગ્યો છે.
ભારત સરકારના નિર્ણય પછી, તુર્કીના શેરબજારમાં કંપનીના શેરમાં લગભગ 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઇસ્તંબુલ એક્સચેન્જ પર કંપની 2,224 ટર્કિશ લીરા પર બંધ થઈ, જે અગાઉના રેકોર્ડ કરતા લગભગ 10 ટકાનો ઘટાડો દર્શાવે છે. આનાથી સ્પષ્ટ થયું કે આ કંપની ભારત પર કેટલી નિર્ભર હતી. કંપનીએ ભારત સરકારના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો અને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે આ નિર્ણય ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે દેશની સુરક્ષા સર્વોપરી છે અને કોર્ટ એવો કોઈ આદેશ આપી શકે નહીં જે સુરક્ષા સાથે ચેડા કરે.
સેવાઓ સ્થગિત કર્યા પછી, ભારતીય એરપોર્ટ હવે એર ઇન્ડિયા સેટ્સ અને ટાટા ગ્રુપ જેવી સ્થાનિક કંપનીઓ તરફ વળી રહ્યા છે. આનાથી માત્ર ભારતીય કંપનીઓને ફાયદો થયો નથી પરંતુ તેને આત્મનિર્ભરતા તરફનું એક મહત્વપૂર્ણ પગલું પણ માનવામાં આવી રહ્યું છે. ભારતે સ્પષ્ટ કર્યું કે તે તુર્કી સાથે વેપાર સંબંધો મર્યાદિત કરી રહ્યું છે અને ફ્રાન્સ જેવા તેના વ્યૂહાત્મક ભાગીદારોને પણ આ જ સંદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને તુર્કી વચ્ચેના સંબંધોમાં એક પ્રતીકાત્મક ઘટના પણ મીડિયામાં હેડલાઇન્સ બની હતી.