ઓડિશાના રાયરંગપુરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિવિધ વિકાસ પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યા
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે ઓડિશાના રાયરંગપુરમાં ત્રણ રેલ્વે લાઇન બંગીરીપોસી-ગોરુમહિસાની, બુરમારા-ચકુલિયા અને બદમપહાર-કેંદુઝારગઢનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે રાષ્ટ્રપતિ મુર્મુએ આદિજાતિ સંશોધન અને વિકાસ કેન્દ્ર, ડાંડબોસ એરપોર્ટ અને રાયરંગપુરની સબ-ડિવિઝનલ હોસ્પિટલની નવી ઇમારતનો શિલાન્યાસ કર્યો હતો.
આ અવસરે રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આ ભૂમિની દીકરી હોવાનો તેમને હંમેશા ગર્વ રહ્યો છે. જવાબદારીઓ અને વ્યસ્તતાએ તેમને તેમના જન્મસ્થળ અને ત્યાંના લોકોથી ક્યારેય દૂર રાખ્યા નથી. તેના બદલે, લોકોનો પ્રેમ તેમને હંમેશા પોતાની તરફ આકર્ષિત કરે છે. માતૃભૂમિ આપણા વિચારો અને કાર્યોમાં રહે છે. આ પ્રદેશના લોકો પ્રત્યેનો ઊંડો પ્રેમ તેમના મનમાં હંમેશા ગુંજતો રહે છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રેલ પ્રોજેક્ટ્સ અને એરપોર્ટ આ પ્રદેશમાં પરિવહન, વાણિજ્ય અને વેપારને વેગ આપશે. રેલવે કનેક્ટિવિટીમાં નોંધપાત્ર ફેરફારોથી ઓડિશાને ફાયદો થઈ રહ્યો છે. 100 પથારી ધરાવતી નવી હોસ્પિટલની ઇમારત સ્થાનિક લોકોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડશે.
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ઓડિશાને ભારત સરકારના પૂર્વોદય વિઝનનો લાભ મળી રહ્યો છે. શિક્ષણ, કૌશલ્ય વિકાસ, આરોગ્ય, પ્રવાસન જોડાણ અને પરિવહન સુવિધાઓ સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા સમગ્ર પ્રદેશના વિકાસને વેગ આપવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે, આદિવાસી બાળકોને શિક્ષિત કરવા માટે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની સ્થાપના કરવામાં આવી રહી છે. અમને એ નોંધતા આનંદ થાય છે કે મયુરભંજ જિલ્લાની 23 શાળાઓ સહિત ઓડિશામાં 100 થી વધુ નવી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલો સ્થાપવામાં આવી રહી છે. તે શાળાઓમાંથી શિક્ષણ મેળવ્યા બાદ આદિવાસી બાળકો સમાજ અને દેશની પ્રગતિમાં ગુણવત્તાયુક્ત યોગદાન આપી શકશે. રાષ્ટ્રપતિ મુર્મુ તેમના સમયપત્રક મુજબ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પૂર્ણ કર્યા પછી નવી દિલ્હી પરત ફરશે. રાષ્ટ્રપતિ 6 ડિસેમ્બરે મયુરભંજ જિલ્લાના ઉપરાબેડામાં તેમના પૈતૃક ઘરે ગયા હતા.