વીરપુરમાં જલારામ બાપાની 225મી જન્મ જ્યંતીની ઊજવણી માટે તડામાર તૈયારીઓ
- વીરપુર ગામને રંગબેરંગી રોશનીથી શણગારાયું,
- જલારામ બાપાની જ્યંતી 8મી નવેમ્બરને શુક્રવારે ઊજવાશે.
- 300થી વધુ સ્વયં સવકો સેવા આપશે
રાજકોટ: સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે આગામી તા. 8મી નવેમ્બરને શુક્રવારના રોજ જલારામ બાપાની 225 મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાશે. બાપાની જન્મ જ્યંતી પહેલા જ વીરપુર ગામને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યુ છે. તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા જન્મ જ્યંતીની ઊજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે,
વીરપુરમાં જલારામ બાપાના મંદિરમાં દર્શન માટે રોજબરોજ અનેક યાત્રિકો આવતા હોય છે. "જયા ટુકડો ત્યા હરી ઢુકડો " ને જીવન મંત્ર બનાવનારા સંત શિરોમણી જલારામ બાપાનું આજે 205 વર્ષે પણ અવિરત સદાવ્રત ચાલુ જ છે તેમજ વિશ્વનું એકમાત્ર મંદિર કે જ્યાં છેલ્લા 25 વર્ષથી એક પણ રૂપિયાનું દાન લેવામાં આવતું નથી. ત્યારે સંત પૂજ્ય જલારામબાપાની આગામી તા.08/11/24ને શુક્રવારે કારતક સુદ સાતમના રોજ આવતી 225મી જન્મ જયંતિને ઉજવવા માટે અત્યારથી જ વિરપુરમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં દિવાળી નિમિતે યાત્રિકોનો ખુબ મોટો ઘસારો જોવા મળ્યો હતો. તેમાંય દિવાળી બાદ તરત જ જલારામ જયંતી આવતી હોવાથી ભાવિકોમાં બાપાના દર્શન કરવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરવા વીરપુરના વેપારીઓ તેમજ અલગ અલગ મિત્ર મંડળો દ્વારા સમગ્ર વીરપુર ગામને રંગ બેરંગી લાઈટો ઠેરઠેર લગાવી રોશનીથી ઝળહળતું કરી ગોકુળિયું ગામ બનાવવામાં આવ્યું છે, તા.8મી નવેમ્બરને શુક્રવાર કારતક સુદ સાતમના દિવસે પુજ્યબાપાની જન્મ જયંતી ઊજવાશે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બાપાની જન્મજયંતિને લઈને વીરપુર ખાતે દર્શને આવતા ભાવિકો વ્યવસ્થિત રીતે જલારામ બાપાના દર્શન કરી શકે તે માટે ત્રણસોથી વધુ સ્વયમ્ સેવકો બાપાની જગ્યામાં તેમજ ધર્મશાળા અને પ્રસાદ કેન્દ્રમાં સેવા માટે ખડે પગે રહેશે. અને જન્મ જયંતિની ઉજવણીને લઈને સમગ્ર ગ્રામજનો દ્વારા બાપાના જીવન કવચને દર્શાવતી ઝાંખીઓ સાથેની શોભાયાત્રા પણ યોજવામાં આવશે, તેમજ આ શોભાયાત્રામાં ભાવિકોને 225 કિલો જેટલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવશે, ત્યારે જલારામ જયંતિની યાત્રાધામ વીરપુરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.