For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જુનાગઢમાં ભવનાથ તળેટીમાં યોજાતા મહા શિવરાત્રીના મેળાની ધૂમ તૈયારીઓ

05:46 PM Feb 18, 2025 IST | revoi editor
જુનાગઢમાં ભવનાથ તળેટીમાં યોજાતા મહા શિવરાત્રીના મેળાની ધૂમ તૈયારીઓ
Advertisement
  • મહાશિવરાત્રીના મેળામાં મોટીસંખ્યામાં લોકો ઉમટી પડશે
  • મેળામાં પાર્કિંગ સહિત ટ્રાફિકની વ્યવસ્થા માટે આયોજન
  • દાતાર પાસે ખુલી જગ્યામાં તમામ પ્રકારના વાહનોની વિનામૂલ્ય પાર્કિંગ વ્યવસ્થા

જૂનાગઢઃ આદિ અનાદિકાળથી  ગિરનારની ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો પરંપરાગતરીતે યોજાતો હોય છે. શિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહા શિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે, ત્યારે પાર્કિંગ સહિત ટ્રાફિકના સુચારું સંચાલન માટે વ્યવસ્થા અગાઉથી જ નક્કી કરી દેવામાં આવી છે. આ વ્યવસ્થાથી 22મી ફેબ્રુઆરીથી 26મી ફેબ્રુઆરીને શિવરાત્રી  સુધી ટ્રાફિકને લઈને કોઈપણ પ્રકારની અડચણ ઊભી ન થાય. તે માટે અલગ અલગ જગ્યાએ નવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

Advertisement

જુનાગઢની ભવનાથ તળેટીમાં મહા શિવરાત્રીના મેળા માટે યાત્રિકોના રહેઠાણ, ભોજન અને પાર્કિંગ સહિતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 22મી ફેબ્રુઆરીને શનિવારથી લઈને 26 ફેબ્રુઆરી બુધવાર સુધી ભવનાથની ગીરી તળેટીમાં મહાશિવરાત્રિનો મેળો યોજાશે. આધુનિક સમયમાં ભવનાથના મેળામાં સમગ્ર દેશ અને દુનિયામાંથી આવતા મોટી સંખ્યામાં ભાવિકો સાધુ સંતો અને અન્ય લોકોને ટ્રાફિકને લઈને કોઈ અડચણ કે મુશ્કેલી ઉભી ન થાય, તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળો શરૂ થાય, તે પૂર્વે જ આગવું આયોજન કરવામાં આવ્યું છે. જુનાગઢ શહેરથી લઈને ભવનાથ તળેટી સુધી અલગ અલગ જગ્યા પર વાહન પાર્કિંગ પોઇન્ટ વન વે માર્ગ અને માર્ગો પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધને લઈને શનિવારથી એનો અમલમાં શરૂ કરી દેવામાં આવશે

જુનાગઢ જિલ્લા અધિક કલેકટર એન.એફ. ચૌધરીએ શિવરાત્રીના મેળાને લઈ ટ્રાફિક વ્યવસ્થાની વિગતો આપી છે. તે મુજબ નીચલા દાતાર પાસે ખુલી જગ્યામાં તમામ પ્રકારના વાહનોની વિનામૂલ્ય પાર્કિંગ વ્યવસ્થા કરાઇ છે. તેમજ ભવનાથ વિસ્તારમાં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામેની સરકારી જગ્યામાં ટુ-વ્હીલર વાહનોના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement

આ સિવાય ખાનગી માલિકીની જગ્યામાં પણ વિનામૂલ્ય પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાઈ છે, જેમાં મજેવડી દરવાજા નજીક ભરડાવાવ પાસે શશીકાંત દવેની વાડી વિસ્તારમાં તેમજ મજેવડી રોડ પર ડોલર કોટેચાની વાડી વિસ્તારમાં અને ભરડાવાવ અને અશોક બાગની વચ્ચે કાળુભાઈ સુખવાણીની વાડીમાં તમામ પ્રકારના વાહનોના પાર્કિંગની નિ:શુલ્ક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. મહાશિવરાત્રીના મેળાને ધ્યાને રાખીને ભરડાવાવથી સોનાપુરી ત્રણ રસ્તા સુધીના માર્ગને એક માર્ગીય જાહેર કરાયો છે. આ માર્ગનો ઉપયોગ વાહન ચાલકો ભવનાથ તળેટીમાં પ્રવેશ માટે કરી શકશે. વધુમાં સોનાપુરી ત્રણ રસ્તાથી ગિરનાર દરવાજા સુધીના માર્ગને ભવનાથ તળેટીથી જુનાગઢ શહેર તરફ જવા માટે એક માર્ગીય જાહેર કરાયો છે. ભરડાવાવ વિસ્તારમાં આવેલા છગન મામાની સોસાયટીનો રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. અહીંથી કોઈ પણ પ્રકારના વાહનની અવરજવરને પ્રતિબંધિત કરવામાં આવી છે.

આ સિવાય કાળવા ચોક દાતાર રોડ કામદાર સોસાયટી ગિરનાર દરવાજા ભરડાવાવથી ધારાગઢ દરવાજા સુધીના માર્ગનો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. તેવી જ રીતે જુનાગઢ શહેરમાંથી ભવનાથ તરફ જતા મોડર્ન ચોકથી જવાહર રોડ સ્વામી મંદિર સેજની ટાંકી અને ગિરનાર દરવાજા સુધીના માર્ગ પર કોઈપણ વાહનના પાર્કિંગ કરવા માટેનો પાર્કિંગ ઝોનમાં પરિવર્તિત કરાયો છે. આ સિવાય પરિક્રમાના 5 દિવસ દરમિયાન ભવનાથ તળેટીમાં ઘોડાગાડી, બળદગાડી કે ઊંટગાડીને લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement