વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિય 2025ની ફાઈનલની લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં તૈયારીઓ શરૂ કરાઈ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની છેલ્લી અને મહત્વપૂર્ણ સિડની ટેસ્ટ પછી, બે ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાવાની છે. આ ટેસ્ટ મેચ 11 જૂનથી 15 જૂન સુધી રમાશે. જેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાવા જઈ રહી છે.
113 વર્ષ પહેલા આ મેદાન પર બંને ટીમો વચ્ચે કઠિન ટેસ્ટ મેચ રમાઈ હતી. ત્રિકોણીય ટુર્નામેન્ટ 27 મે થી 19 ઓગસ્ટ 1912 સુધી રમાઈ હતી. આ ત્રિકોણીય ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા તેમજ ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી, જેમાં 9 ટેસ્ટ મેચો રમાઈ હતી. આ ત્રિકોણીય ટુર્નામેન્ટના સ્થળો માન્ચેસ્ટર, લોર્ડ્સ, ધ ઓવલ, લીડ્સ અને નોટિંગહામ હતા. ઈંગ્લેન્ડ આ ટુર્નામેન્ટ જીતવામાં સફળ રહ્યું હતું. પરંતુ ત્રિકોણીય ટૂર્નામેન્ટ 1912માં બીજા સૌથી વધુ વિકેટ લેનાર દક્ષિણ આફ્રિકાનો સિડ પેગલર હતો. પેગલરે 8 ઇનિંગ્સમાં 21.34ની એવરેજથી 29 વિકેટ લીધી હતી. આ ત્રિકોણીય ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 15 થી 17 જુલાઈ દરમિયાન લોર્ડ્સના ક્રિકેટ ગ્રાઉન્ડ પર એક રોમાંચક ટેસ્ટ મેચ રમાઈ હતી.
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 15 થી 17 જુલાઇ 1912 દરમિયાન લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રોમાંચક ટેસ્ટ મેચ રમાઈ હતી. આ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં 89 ઓવરમાં 2.95ના રન રેટથી 263 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 127 રનની લીડ મેળવી હતી. દક્ષિણ આફ્રિકા બીજા દાવમાં માત્ર 46 રનની લીડ લઈ શકી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 12.1 ઓવરમાં 48 રન બનાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા આ મેચ 10 વિકેટે જીતવામાં સફળ રહ્યું હતું.
દક્ષિણ આફ્રિકાએ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 18 ટેસ્ટ મેચ રમી છે. તેમાંથી દક્ષિણ આફ્રિકાએ 6 ટેસ્ટ મેચ જીતી છે અને 4 ડ્રો રહી છે. દક્ષિણ આફ્રિકાએ છેલ્લે 2022માં લોર્ડ્સમાં ટેસ્ટ મેચ જીતી હતી. ઓસ્ટ્રેલિયાએ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 40 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી ઓસ્ટ્રેલિયાએ 18 ટેસ્ટ જીતી છે અને 15 ડ્રો રહી છે.