અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ભાવિકો માટે 30 લાખ પ્રસાદના પેકેટ બનાવવાનો પ્રારંભ
- ભાદરવી પૂનમ મેળામાં પ્રસાદ માટે 27થી વધુ પ્રસાદ વેચાણ કેન્દ્રો ઊભા કરાશે,
- 750 કારીગરો દ્વારા રાત-દિવસ મોહનથાળ બનાવવામાં આવી રહ્યો છે,
- મેળામાં 30થી 40 લાખ ભક્તો મા અંબાના દર્શન કરવા આવે એવી શક્યતા
અંબાજીઃ શક્તિપીઠ અંબાજી ખાતે આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમાન ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ મેળા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાદરવી પૂનમના આ મેળામાં લગભગ 30થી 40 લાખ ભક્તો મા અંબાના દર્શન કરવા આવે એવી શક્યતા છે. લાખો ભક્તોને માતાજીના દર્શન બાદ મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ખાસ તૈયારીઓ શરૂ કરી છે. જેમાં પ્રસાદના વેચાણ માટે 27 કેન્દ્રો ઊભા કરવામાં આવશે.
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતાં શ્રધ્ધાળુઓને પુરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે જિલ્લા કલેકટર દ્વારા બુધવારે પ્રસાદઘરનો શુભારંભ કરાયો હતો. તેમણે પ્રસાદ ઘરની સ્વચ્છતા તથા સલામતી સહિત સુચારુ આયોજન સંદર્ભે જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા. આ મહાકુંભ મેળા માટે કુલ 1000થી 1200 ઘાણ મોહનથાળ તૈયાર કરવાનો લક્ષ્યાંક છે. આટલી મોટી માત્રામાં પ્રસાદ તૈયાર કરવા માટે આજે પ્રથમ દિવસે 51 ઘાણ મોહનથાળ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેનું વજન લગભગ 16,575 કિલોગ્રામ થાય છે. એક ઘાણમાં 325 કિલો મોહનથાળ બને છે. આ આંકડા પરથી અંદાજ લગાવી શકાય છે કે મેળા દરમિયાન 1200 ઘાણમાં કુલ 3,90,000 કિલો મોહનથાળનો પ્રસાદ તૈયાર થશે.
દરમિયાન અંબાજી ભાદરવી પૂનમના મેળામાં 750 કારીગરો 30 લાખ પ્રસાદના પેકેટ બનાવશે. યાત્રાધામ અંબાજીમાં 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે. જેમાં પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લા કક્ષાની કુલ 29 સમિતિઓ બનાવવામાં આવી છે. ગઈકાલે બુધવારે અંબાજીમાં કલેક્ટર મિહિર પટેલ દ્વારા આદ્યશક્તિની આરાધના કરી પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો હતો. પ્રસાદ ઘરની સ્વચ્છતા તથા સલામતી સહિત સુચારુ આયોજન સંદર્ભે તેમના દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરાયા હતા. પ્રસાદ વ્યવસ્થા સમિતિ માટે જિલ્લા પુરવઠા અધિકારીની નોડલ તરીકે નિમણૂક કરાઈ છે. જેમાં મોહનથાળ, ચિક્કીની પ્રસાદનું યોગ્ય રીતે સુપરવિઝન અને વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે.
અંબાજીમાં બનાવવામાં આવતા પ્રસાદના એક ઘાણમાં બેસન 100 કી.ગ્રા, ખાંડ 150 કી.ગ્રા, ઘી 76.5 કી.ગ્રા અને ઈલાયચી 200 ગ્રામ એમ કુલ 326.7 કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવશે. ભાદરવી પૂનમ મહા મેળામાં મોહનથાળ પ્રસાદ બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી. મેળા દરમિયાન કુલ 1000 ઘાણ બનાવવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. સમગ્ર મેળા દરમિયાન 30 લાખથી વધુ પ્રસાદના પેકેટ બનાવવાની તૈયારીઓ પણ શરૂ કરાઈ છે. પ્રસાદ ઘરમાં કુલ 750 જેટલા કારીગરો કામમાં રોકાયેલા છે.