સંભલ હિંસાઃ આરોપીઓએ કરેલા ફાયરિંગમાં પાકિસ્તાનમાં બનેલા કારતુસનો થયો હતો ઉપયોગ
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં જામા મસ્જિદ ખાતે સર્વે ગયેલી ટીમ અને પોલીસ ઉપર તોફાની ટોળાએ ભારે પથ્થરમારો કર્યો હતો. તેમજ તોફાનીઓએ પોલીસ ઉપર ગેરકાયદે હથિયારોમાંથી ફાયરિંગ કર્યું હતું. આ કેસની પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓએ પોતાની પાસેના જે હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું તેમાં અમેરિકા અને પાકિસ્તાનમાં બનેલા કાતરુસનો ઉપયોગ કર્યાનું ખુલ્યું છે. પોલીસને તપાસમાં પાંચ શેલ અને એક કારતૂસ મળી આવતા આ વાતની પુષ્ટિ થઈ હતી.
એસપી કૃષ્ણ કુમાર વિશ્નોઈએ જણાવ્યું હતું કે, તોફાનીઓએ જામા મસ્જિદ પહોંચતા પહેલા જ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. આ પછી પથ્થરમારાની સાથે પોલીસ પર ગોળીઓ પણ ચલાવવામાં આવી હતી. તેના પુરાવા પણ મળ્યા છે.
એસપીએ વધુમાં જણાવ્યું હતું કે, હંગામા દરમિયાન તોફાનીઓએ જે હથિયારોનો ઉપયોગ કર્યો હતો તે પણ ટૂંક સમયમાં જ મળી જશે. તોફાનીઓએ આ ઘટનાને સંપૂર્ણ ષડયંત્ર સાથે અંજામ આપ્યો હતો. પહેલા સીસીટીવી કેમેરા તોડ્યા અને પછી ગોળીબાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે જે જગ્યાએથી સીસીટીવી કેમેરા તોડવામાં આવ્યા હતા ત્યાંથી મળેલા ડીવીઆરને રિકવર કરવામાં આવી રહ્યા છે. જેથી કરીને તોફાનીઓ સામે કેટલાક મહત્વના પુરાવા મળી શકે.
સ્થાનિક ઇન્ટેલિજન્સ યુનિટ LIUની ટીમ સાથે પોલીસ તપાસ ટીમ સર્ચ ઓપરેશન માટે તૈનાત કરવામાં આવી હતી. LIUની ટીમે તોફાનગ્રસ્ત વિસ્તારોમાં મેટલ ડિટેક્ટર સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એલઆઈયુની ટીમે પાકિસ્તાની બનાવટનો શેલ અને કારતૂસ જપ્ત કર્યા હતા. થોડા અંતરેથી બે અમેરિકન બનાવટના 312 શેલ મળી આવ્યા હતા.