પ્રૌઢે વિમો પકવવા મિત્રની હત્યા કરી લાશ સળગાવીને પોતાના મોબાઈલ, પાકિટ આધારકાર્ડ મુક્યાં
- ગોંડલના મોટા મહિકા ગામે અર્ધ બળેલી લાશનો ભેદ ઉકેલાયો
- અર્ધ બળેલી લાશના પોસ્ટમોર્ટમમાં ગળુ દબાવીને હત્યા કર્યાની હકિકત મળી,
- મૃતકની પત્નીએ શંકા વ્યક્ત કરતા પોલીસે ગુનાનો પડદાફાશ કર્યો
રાજકોટઃ બનાસકાંઠા જિલ્લામાં વિમો પકવવા માટે બનાવ બન્યો હતો એવો જ બનાવ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા મહીકા ગામે બન્યો છે. મહિકા ગામે 5 દિવસ પહેલા જર્જરિત મકાનમાંથી રાજકોટના પ્રૌઢની અર્ધબળેલી હાલતમાં મળી આવેલી લાશની રહસ્યમય ઘટનાની પોલીસ તપાસમાં આ લાશ પ્રૌઢની નહીં પણ તેના મિત્રની હોવાનું બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે. રાજકોટમાં રહેતા પ્રૌઢે વીમો પકવવા મિત્રની હત્યા કરી પેટ્રોલ છાંટી સળગાવી દઇ પોતે મૃત જાહેર થાય તે માટે લાશની આસપાસ પોતાના ડોક્યુમેન્ટ રાખી દઇ ખોટી સ્ટોરી ઊભી કરી હતી, પરંતુ પોલીસે ખોફનાક કાવતરાનો ગણતરીની કલાકોમાં પડદાફાશ કરી શાપર રહેતા સગીરને ઉઠાવી લઇ તપાસ હાથ ધરી નાસી છૂટેલા માસ્ટર માઇન્ડને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ગત શુક્રવારના મોટા મહીકા ગામે એક ખંડેર હાલતમાં રહેલા મકાનમાંથી અર્ધ બળેલી હાલતમાં પુરુષની લાશ મળી આવ્યા બાદ લાશ મૂળ મોટા મહીકાના અને હાલ રાજકોટના મોરબી રોડ પર આવેલી સદગુરુ સોસાયટીમાં રહેતા હસમુખ મૂળશંકર ધાનેજા વ્યાસની હોવાનું ખૂલ્યું હતું. રહસ્યમય ઘટનાને લઇ તાલુકા પોલીસના પીઆઈ જે.પી.રાવ, અને એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરા, એસઓજી પીએસઆઈ મિયાત્રા સહિત પોલીસે તપાસ હાથ ધરી મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યો હતો. પીએમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરાયાનું બહાર આવતા પોલીસ ચોંકી ઊઠી હતી. બીજી બાજુ રાજકોટ શાંતિનગરમાં રહેતી ગાયત્રી સંદીપગીરી ગોસ્વામી તેમના પતિ સંદીપગીરી બાજુમાં રહેતા હસમુખ વ્યાસ સાથે ગયા બાદ ઘરે પરત નહીં ફરતા અને પોલીસે બનાવને લઈને સગાં-સંબંધીની પૂછપરછમાં સંદીપગીરી સાથે ગયા હોવાની માહિતી મળી હોઇ ગાયત્રીબેનનો સંપર્ક કર્યો હતો. દરમિયાન ગાયત્રીબેનને હસમુખભાઈનો મૃતદેહ મળ્યાની જાણ થતાં તે પીએમ રૂમ પર દોડી ગયાં હતાં અને મૃતદેહ પોતાના પતિનો હોવાની શંકા દર્શાવી હતી. બાદમાં ફોરેન્સિક પીએમમાં શંકા યથાર્થ ઠરી હોય તેમ મૃતદેહ સંદીપગીરીનો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે અલગ અલગ ટીમ બનાવી ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હોઇ બનાવ સમયે બે વ્યક્તિઓ હોવાનું જાણવા મળતા અલગ અલગ વ્યક્તિઓની પૂછપરછને અંતે બનાવ સમયે સાથે રહેલો શાપરમાં રહેતો સગીર હોવાની હકીકત ખૂલતા સગીરને ઉઠાવી લઇ પૂછપરછ કરતા તેણે વટાણા વેરી દઇ સંદીપગીરીની હત્યા તેણે અને હસમુખે ગળું દબાવી અને બાદમાં શરીરે પેટ્રોલ છાંટી સળગાવી દીધી હોવાની કબૂલાત આપી હતી.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ આ બનાવમાં હસમુખ અને સંદીપગીરી પાડોશી હોઇ મિત્ર સાથે મુંબઈ જવાનું કહી શાપરથી સગીરને સાથે લઇ ગુરુવાર રાત્રે મોટા મહીકા પહોંચ્યા હતા. ત્યાં હસમુખના બાપદાદાનાં ખંડેર હાલતમાં રહેલા મકાને પહોંચી હસમુખ તથા સગીરે સંદીપગીરીની ગળું દબાવી હત્યા કરી હતી. બાદમાં મૃતદેહ પાસે હસમુખે પોતાનું પાકીટ, આધારકાર્ડ સહિતનાં ડેક્યુમેન્ટ રાખી દીધાં હતાં. જેથી આ મૃતદેહ હસમુખનો હોવાનું બહાર આવે બાદમાં મોટા મહીકાના બસસ્ટેન્ડ પાસે આવેલી પાનની દુકાને જઇ ગાડીમાં પેટ્રોલ ખાલી થયું છે તેવું કહી દુકાનદાર પાસેથી પેટ્રોલ મેળવ્યું હતું અને ફરી ખંડેરમાં જઇ મૃતદેહ પર પેટ્રોલ છાંટી બન્ને નાસી છૂટ્યા હતા. દરમિયાન ગોંડલ રહેતા હસમુખનો ભાઇ હિતેશ માતાજીનાં મઢે દર્શન કરવા આવ્યો હોઇ પોતાના જૂના ખંડેર બનેલા મકાને આંટો મારવા જતા અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ જોતા અને તેની બાજુમાં પોતાના ભાઇનું પાકીટ, મોબાઇલ, આઇકાર્ડ વગેરે જોતા ચોંકી ઊઠ્યો હતો. બાદમાં તેણે ગામના સરપંચને જાણ કરતા સરપંચે બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરી હતી. પોલીસે ખોફનાક કાવતરાના માસ્ટર માઇન્ડ હસમુખને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. હસમુખ રાજકોટ બીજી પત્ની સાથે રહે છે અને મૂળ મોટા મહીકાનો છે.