અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપઃ 622થી વધુનાં મોત, હજારો ઘાયલ
નવી દિલ્હીઃ મધ્યરાત્રિએ પડોશી દેશ અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 નોંધાઈ હતી, જે શક્તિશાળી શ્રેણીમાં આવે છે. આ વિનાશકારી ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 622થી વધુ લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. અફઘાનિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયે આ અંગે પુષ્ટિ કરી છે.
ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં જલાલાબાદથી 27 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, આશરે 8 કિમીની ઊંડાઈએ હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય સમય મુજબ રાત્રે 12:47 કલાકે આ ભૂકંપ આવ્યો હતો. આશરે 20 મિનિટ બાદ 4.5 તીવ્રતાનો બીજો અને ત્યારબાદ 5.2 તીવ્રતાનો ત્રીજો આંચકો અનુભવાયો હતો. નાંગરહાર સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તા અજમલ દવાઈશે જણાવ્યું કે સતત આવેલા આ ત્રણ ભૂકંપોને કારણે ભારે જાનહાનિ સર્જાઈ છે. અત્યાર સુધીમાં 622થી વધુ લોકોનાં મોત અને 1000થી વધુ લોકો ઘાયલ થવાની પુષ્ટિ થઈ છે.
જાહેર આરોગ્ય વિભાગના પ્રવક્તા નકીબુલ્લાહ રહીમીએ જણાવ્યું કે તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેના આંચકા પાકિસ્તાન અને ભારતના દિલ્હી-એનસીઆર સુધી અનુભવાયા હતા. અચાનક આવેલા આંચકાઓને કારણે લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. દિલ્હી-એનસીઆરના રહેવાસીઓએ જણાવ્યું કે મોડી રાત્રે ઇમારતો ધ્રુજી ઉઠી હતી અને લોકો ભયભીત થઈને રસ્તા પર આવી ગયા હતા.