પાકિસ્તાનમાં ગરીબી દરમાં ઉછાળો, ત્રણ વર્ષમાં 7% વધીને 25.3% પર પહોંચ્યો
નવી દિલ્હીઃ વર્લ્ડ બેંકના તાજા અહેવાલે પાકિસ્તાનમાં વધતી ગરીબી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2024-25માં દેશનો ગરીબી દર વધીને 25.3% પર પહોંચી ગયો છે, જે ત્રણ વર્ષ પહેલા કરતાં 7 ટકાનો વધારો દર્શાવે છે.
“રિક્લેમિંગ મોમેન્ટમ ટુવર્ડ્સ પ્રોસ્પેરિટી : પાકિસ્તાન પાવર્ટી, ઇક્વિટી એન્ડ રિઝિલિયન્સ એસેસમેન્ટ” નામના આ અહેવાલમાં છેલ્લા બે દાયકામાં પ્રથમ વખત પાકિસ્તાનની ગરીબી અને સામાજિક કલ્યાણનું વિશ્લેષણ રજૂ થયું છે. છેલ્લા 25 વર્ષોના ઘરગથ્થુ સર્વે, ભૂગોળીય આકલન, અંદાજો અને વહીવટી સ્રોતોના આંકડાઓના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ, 2001-02માં પાકિસ્તાનનો રાષ્ટ્રીય ગરીબી દર 64.3% હતો, જે સતત ઘટીને 2018-19માં 21.9% સુધી આવી ગયો હતો. પરંતુ 2020 બાદ ફરી ગરીબીમાં વધારો થવા લાગ્યો છે.
વર્લ્ડ બેંકે પોતાના અહેવાલમાં અનેક કારણો બતાવ્યા છે. તેમાં કોરોના મહામારી, મોંઘવારીની અસર, ભયાનક પૂર અને વ્યાપક આર્થિક અસ્થિરતાનો સમાવેશ થાય છે. અગાઉ ગરીબીમાં ઘટાડો મુખ્યત્વે વપરાશ આધારિત વૃદ્ધિથી થયો હતો, પરંતુ હવે આ મોડેલ પોતાની મર્યાદા સુધી પહોંચી ગયો છે. નવા રોજગાર સર્જન કે ઉત્પાદનક્ષમતા વધારવામાં અપેક્ષિત સુધારો જોવા મળ્યો નથી.
પાકિસ્તાનમાં લગભગ 40% બાળકો કુપોષણથી પીડિત છે. પ્રાથમિક શાળા વયના દરેક ચાર બાળકોમાંથી એક શાળાથી બહાર છે, જ્યારે શાળામાં જતા ચોથા બાળકો મૂળભૂત વાંચન-સમજણની ક્ષમતા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. 2018 સુધીમાં માત્ર અડધા ઘરોએ જ સ્વચ્છ પીવાનું પાણી મેળવ્યું હતું. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે પાકિસ્તાન આર્થિક તેમજ સામાજિક બંને સ્તરે ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને આવનારા સમયમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.