રાજકોટ-ભાવનગર હાઈવે પર ઠેર ઠેર ખાડાં, કોંગ્રેસે મંત્રી-MPના પોસ્ટર ખાડામાં લગાવી વિરોધ કર્યો
- હાઈવે પર ઠેર ઠેર ખાડાઓને લીધે અકસ્માતોના બનાવોમાં વધારો,
- કોંગ્રેસ દ્વારા મંત્રી ભાનુબેન બાબરિયા અને પરશોત્તમ રૂપાલાના રાજીનામાંની માગ,
- હું છું ભાજપ, હું છું વિકાસ લખેલા બેનરો ખાડા પર લગાવાયા,
રાજકોટઃ ચોમાસામાં વરસાદને લીધે નેશનલ અને સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર ખાડાં પડી જતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ ભાવનગર હાઈવે પર પડેલા મસમોટા ખાડાને લઈને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી ભાનુબેન બાબરીયા અને સંસદ સભ્ય પરસોત્તમ રૂપાલાનું રાજીનામું માંગતા પોસ્ટર ખાડામાં ખોડવામાં આવ્યા હતા. પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે પ્રજાની નથી દરકાર, આવી છે તમારી સરકાર; રાજીનામું આપો. બાદમાં નીચે હું છું ભાજપ, હું છું વિકાસ પણ લખવામાં હતું.
રાજકોટ-ભાવનગર સ્ટેટ હાઈવેની છેલ્લા કેટલાક મહિનાઓથી બિસ્માર હાલત બની છે, જેમાં હાલ ચોમાસાની સીઝનમાં તો હાઈવે પર ઠેર ઠેર ખાડાં પડી જતા વાહનચાલકો ભારે પરેશાન બની રહ્યા છે. ત્યારે રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય નિશિત ખૂંટ તથા રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આકસ્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ - ભાવનગર હાઇવે પર ચાર મહિના પહેલા પ્રજાના ટેક્સના પૈસામાંથી રૂપિયા 5 કરોડના ખર્ચે રસ્તાનું રીપેરીંગ કરવામાં આવ્યું હતું. જોકે આમ છતાં પણ રસ્તાઓ વધુ ખરાબ થયા છે, મોટા ખાડાઓને કારણે ગંભીર અકસ્માતો સર્જાય છે. જેથી તંત્રને જાગવાની જરૂર છે આ વિસ્તારના ધારાસભ્ય તરીકેના પ્રતિનિધિ ભાનુબેન બાબરીયા છે અને સંસદ સભ્ય તરીકે પરસોત્તમ રૂપાલા છે. જોકે આ બંને આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવામાં નિષ્ફળ નીકળ્યા છે. જેથી અમે આસપાસના ગ્રામજનો સાથે એકત્ર થયા છીએ અને ભાનુબેન બાબરીયા અને પરસોતમ રૂપાલાનું રાજીનામું માગીએ છીએ. આ માટે અમે 2000 જેટલા પોસ્ટકાર્ડ મુખ્યમંત્રીને લખીશું.
તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યએ જણાવ્યું હતું કે, રાજકોટ ભાવનગર સ્ટેટ હાઇવે કે પર 3 - 4 મહિનામાં પહેલા રાજકોટથી હલેન્ડા સુધીના હાઈવેની મરામત માટે પ્રજાના ટેક્સના પૈસામાંથી તંત્ર દ્વારા અંદાજિત 5 કરોડનો ખર્ચો કર્યો હોવા છતાં પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી અને મસમોટા ખાડાઓ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. આથી આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી એવા ભાનુબેન બાબરીયા તથા સંસદ સભ્ય પરસોતમ રૂપાલા કુંભનિંદ્રામાં છે અને લોકોના પ્રશ્નોની રજૂઆત કરવામાં તથા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવામાં સદંતર નિષ્ફળ ગયા છે. જેથી આજે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ ભાવનગર હાઇવે ઉપરના ગામડામાંથી મુખ્યમંત્રીને 2000 પોસ્ટ કાર્ડ લખીને ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તથા સંસદ સભ્ય પરષોત્તમ રૂપાલાનું રાજીનામું માંગવામાં આવવાની જાહેરાત કરી હતી.