ભાવનગરમાં વૈશાલી ટોકિઝથી લાકડિયા પુલ સુધીના રોડ પર ઠેર ઠેર ખાડાઓ
- રોડ પર ખાડાઓને લીધે અકસ્માતનો ભય,
 - રોડ પરના દૂકાનદારો અને વેપારીઓ રજુઆત કરીને થાક્યા છતાંયે તંત્ર નિષ્ક્રિય,
 - રોડ પર ખાડા પૂરવામાં નહીં આવે તો વેપારીઓ લડત આપશે
 
ભાવનગરઃ શહેરમાં ચામાસા દરમિયાન તૂટેલા કેટલાક રસ્તાઓને હજુ મરામત કરવામાં આવ્યા નથી. ત્યારે શહેરના વૈશાલી ટોકિઝથી લાકડિયા પુલ સુધીના રોડ પર ઠેર ઠેર ખાડાંઓ પડ્યા છે. આ રોડ પર સતત ટ્રાફિક રહેતો હોય છે. ખાડાઓને લીધે આ રોડ પર અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે. આ વિસ્તારમાં વેપારીઓ અને દૂકાનદારોએ રોડને મરામત કરવા માટે મ્યુનિ.કોર્પોરેષનના સત્તાધિશોને રજુઆત કરવા છતાંયે રોડને મરામત કરવામાં આવતો નથી.
ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓ બિસ્માર બની ગયા છે. વરસાદી પાણીના પ્રવાહ અને વાહન-વ્યવહારના ભારથી રોડ બિસ્માર થઈ જતાં નાના-મોટા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના મધ્ય વિસ્તારના માર્ગોમાં ખાડાઓના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે જુનાબંદર વિસ્તારના દુકાનધારકો અને વાહનચાલકોની વહેલી તકે રોડ મરામત કરવામાં આવે તેવી લોક માગ ઉઠી છે.
ભાવનગર શહેરના વૈશાલી ટોકીઝથી લાકડીયા પૂલ સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. રોડ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે આ માર્ગ પરથી પસાર થતાં ટુ-વ્હીલર અને મોટા હેવી વાહનો સંતુલન ગુમાવતા અકસ્માતોના બનાવો બની રહ્યા છે. આ રોડ પર આવેલા રેલવે ફાટકની આજુબાજુના ભાગોમાં પણ ખાડાઓ પડ્યા છે, જેના કારણે વાહનોને ધીમી ગતિએ પસાર થવું પડે છે. વરસાદ બાદ રોડ પર પાણી ભરાઈ જતા ખાડા દેખાતા નથી અને અકસ્માતની શક્યતા વધી જાય છે. આ વિસ્તારના સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓએ તંત્ર પાસે રોડની તાત્કાલિક મરામત કરવાની માગણી ઉઠાવી છે. લોકોનું કહેવું છે કે, આ માર્ગ શહેરના મુખ્ય જોડાણ રસ્તાઓમાંનો એક છે અને રોજ મોટી સંખ્યામાં લોકોનો અવરજવર થતી રહે છે, છતાં પણ તંત્ર દ્વારા તેની યોગ્ય સંભાળ લેવામાં આવી નથી. નાગરિકો હવે તંત્ર પાસે વહેલી તકે રોડની મરામત અથવા નવો બનાવી આપે તેવી અપેક્ષા રાખી રહ્યા છે