દક્ષિણ ગુજરાતમાં ડાંગરના વાવેતર પર નિયંત્રણ મુકવામાં આવે તેવી શક્યતા
- ખેડુતો 50 ટકા જમીનમાં જ ડાંગરનું વાવેતર કરી શકે તે માટે પરિપત્ર જારી કરાશે
- કિલો ચોખા પકવવામાં 4 હજાર લીટર પાણીનો ઉપયોગ થાય છે
- ભવિષ્યમાં પાણીની તંગી ન સર્જાય તે માટે આગોતરૂ આયોજન કરાશે
સુરતઃ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ શેરડી અને ડાંગરના પાકનું વાવેતર થાય છે. ડાંગરના પાકને પાણીની સૌથી વધુ જરૂર પડતી હોય છે. પાણીના વધુ પડતા ઉપયોગથી પાણીના તળ ઊંડા ઉતરી રહ્યા છે. તેથી ભવિષ્યમાં પાણીની તંગી ન સર્જાય તે માટે સરકાર દ્વારા ડાંગરના વાવેતરમાં નિયંત્રણ મુકવામાં આવે તેવી શક્યતા છે. ખેડૂતો પોતાની કુલ જમીનના 50 ટકામાં જ ડાંગરનું વાવેતર કરી શકે તે માટે સરકાર દ્વારા ટુંકમાં પરિપત્ર જારી કરવામાં આવશે.
દક્ષિણ ગુજરાતમાં શેરડી અને ડાંગરનું સૌથી વધુ વાવેતર થાય છે. જેમાં અંદાજે બે થી અઢી લાખ હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર થાય છે. ચોમાસામાં અને ઉનાળામાં ડાંગરનું ઉત્પાદન મોખરે રહેતુ હોય છે. ડાંગરના પાકને પાણીની સૌથી વધુ જરૂર પડતી હોય છે. પાણીને લીધે હવે ડાંગરના પાક પર અવરોધ આવી શકે તેવી સ્થિતી ઉભી થઈ રહી છે. આગામી દિવસોમાં ડાંગરને લઈને રાજ્ય સરકારે નવા પરિપત્ર લાવવા માટેની તૈયારીઓ કરી દીધી છે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે, એક કિલો ચોખા પકવવામાં 4 હજાર લીટર પાણીનો ઉપયોગ થાય છે. આવનારા સમયમાં દક્ષિણ ગુજરાતમાં પાણીની તંગી ન સર્જાય તે માટે ખેડૂતો પોતાની કુલ જમીનના 50 ટકામાં જ ડાંગરનું વાવેતર કરી શકે તેની તૈયારી કરવામાં આવી રહી છે. આ મામલે રાજ્ય સરકાર આગામી સમયમાં પરિપત્ર પણ લાવશે.
દક્ષિણ ગુજરાતમાં ડાંગરના વાવેતર પર નિયંત્રણ મુકાશે તો ખેડુતો મુશ્કેલીમાં મુકાશે. દક્ષિણ ગુજરાતમાં સિંચાઈના પાણીની કોઈ સમસ્યા નથી. પણ ડાંગરમાં વધુ પડતા પાણીના વપરાશને લીધે ભવિષ્યમાં સમસ્યા સર્જાય શકે છે. પાણીનો મહત્તમ ઉપયોગ ઓછો થાય અને ખેતી પણ સારી રીતે થાય એ દિશામાં સરકાર નિર્ણય લઈ શકે તેવી ચર્ચા વિચારણા શરૂ થઈ છે. ખાસ કરીને ડાંગરના પાકમાં ઉનાળાની સિઝનમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થતો હોવાને કારણે ડાંગરને બદલે અન્ય પાક લેવા માટે ખેડૂતોને મનાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ઉનાળું ડાંગરનો પાક ખેડૂતો ઓછો લે તેના માટે સરકાર નવો પરિપત્ર બહાર પાડી શકે છે.