અરબી સમુદ્રમાં પોરબંદરનું જહાજ ડૂબ્યું, કોસ્ટ ગાર્ડ 12 ક્રૂ મેમ્બરને બચાવી લીધા
- પોરબંદરનું જહાંજ ઈરાનના અબ્બાસ બંદરે ઝઈ રહ્યું હતુ,
- ટેકનીકલ ખામીને લીધે જહાંજ પાકિસ્તાનની જળસીમાં ડૂબ્યું,
- ભારતીય કોસ્ટ ગાર્ડે પાક, મેરીટાઈમનો સંપર્ક કરીને બચાવ કામગીરી શરૂ કરી
પોરબંદરઃ અરબી સમુદ્રમાં પોરબંદરનું એક જહાંજ ઈરાનના અબ્બાસ બંદરે જઈ રહ્યું હતું. માલ ભરેલું જહાંજ પાકિસ્તાન જળસીમામાં પહોંચતા જ કોઈ ટેકનીકલ ખામીને કારણે જહાંજ ડૂબવા લાગ્યું હતું. જહાંજના 12 ખલાસીઓએ બચાવ માટે સંદેશો વાયરલ કર્યો હતો. દરમિયાન ભારતીય કોસ્ટ ગાર્ડે તાબડતોબ ધસી જઈને જહાજના 12 ક્રૂ મેમ્બરને બચાવી લીધા હતા. સ્કુ મેમ્બરના કહેવા મુજબ જહાંજ પોરબંદરથી ઈરાનના બંદર અબ્બાસ બંદરે જઈ રહ્યું હતું. ત્યારે ટેક્નિકલ ખામીના કારણે જહાજ અરબી સમુદ્રમાં ડૂબ્યું હતું. એમએસવી અલ પીરાનપીર જહાજ બુધવારે (ચોથી ડિસેમ્બર) પાકિસ્તાનની જળસીમામાં ડૂબ્યું હતું. જેને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડે પાકિસ્તાન મેરીટાઇમ સિક્યોરિટી એજન્સી (PMSA) સાથે મળીને બચાવ કામગીરી હાથ ધરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ વેપારી જહાજ પોરબંદરથી ઈરાની બંદર માટે બીજી ડિસેમ્બરે રવાના થયું હતું. બુધવારે (ચોથી ડિસેમ્બર) સવારે દરિયામાં તોફાનને કારણે જહાંજ ડૂબી ગયું હતું. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના MRCC, મુંબઈ દ્વારા એક ડિસ્ટ્રેસ કોલ આવ્યો હતો, જેણે ગાંધીનગર ખાતેના ICG રિજનલ હેડક્વાર્ટર (ઉત્તર પશ્ચિમ)ને તાત્કાલિક ચેતવણી આપી હતી. ICG જહાજ સાર્થકને તાત્કાલિક નિર્ધારિત સ્થળે મોકલવામાં આવ્યું હતું. આ વિસ્તારના ખલાસીઓને ચેતવણી આપવા માટે એમઆરસીસી પાકિસ્તાનનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની સહાય તરત જ પૂરી પાડવામાં આવી હતી. બાદમાં, જહાજ સાર્થકને સંભવિત સ્થાન પર પહોંચ્યું અને રેસ્ક્યૂ ઓપરેશન કરીને તમામ ક્રૂ મેમ્બરને બચાવી લેવાયા હતા.
કોસ્ટ ગાર્ડના સૂત્રોના કહેવા મુજબ વેપારી જહાંજ ડૂબી જતાં 12 ક્રૂ મેમ્બરોએ જહાજને છોડી નાની હોડીમાં આશ્રય લીધો હતો,સ્ક્રૂ મેમ્બરો દ્વારકાથી લગભગ 270 કિમી દૂર પાકિસ્તાન જળસીમા વિસ્તારમાં મળી આવ્યા હતા. પીએમએસએ વિમાન અને વેપારી જહાજ એમવી કોસ્કો ગ્લોરી દ્વારા ક્રૂ મેમ્બરની શોધમાં મદદ લેવામાં આવી હતી. રેસ્ક્યૂ કરાયેલા ક્રૂ મેમ્બર્સની સાર્થક પરની મેડિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું હતું. તેઓને પોરબંદર બંદર પર પાછા લઈ જવામાં આવી રહ્યા છે.