અસમમાં 'બહુપત્ની પ્રથા સમાપ્ત થશે, ભલે કોઈ સમુદાયનું હોય': CM હિમંત બિસ્વા સરમા
નવી દિલ્હીઃ અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ બહુપત્ની પ્રથા અને ચૂંટણી રાજનીતિને લઈને બે મહત્વના મુદ્દાઓ પર કડક નિવેદન આપ્યુ હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્યમાં બહુપત્ની પ્રથા કોઈ પણ સંજોગોમાં સહન નહીં કરવામાં આવે, ભલે તે કોઈ પણ સમુદાયમાં કેમ ન હોય. સાથે જ કોંગ્રેસ પર ચૂંટણી ટિકિટ માટે પૈસા વસૂલવાની અને મીયાં-બહુલ વિસ્તારો પર નિર્ભર રહેવાની ટીકા કરી હતી.
પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સરમાએ કહ્યું, “બહુપત્ની પ્રથા સમાપ્ત થશે, ભલે કોઈ પણ સમુદાય હોય. ફરિયાદો તમામ સમુદાયોમાંથી આવે છે, હિન્દુ હોય કે મુસ્લીમ સમાજ. પ્રથમ પત્નીને સતાવતા આવા કેસોને અમે છોડવાના નથી.” સરમાએ સ્પષ્ટ કર્યું કે, બહુપત્ની પ્રથા કોઈ એક સમુદાયનો મુદ્દો નથી, પરંતુ કેટલાક સમુદાયોમાં તે વધુ જણાતી પ્રવૃત્તિ છે. તેમણે કહ્યું, “આ ફક્ત મીયાંઓનો મુદ્દો નથી. હિન્દુ સમુદાયમાં પણ ઘણાં પુરુષો બે લગ્ન કરતા હોય છે. એટલે કાર્યવાહી તમામ પર સમાન રીતે થશે.”**
સીએમ સરમાએ આગળ કહ્યું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, સંદિગ્ધ ઓળખ ધરાવતા લોકો અને સરકારની જમીન પર કબ્જો કરનારા સામે વધુ કડક કાર્યવાહી થશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું, “બેદખલી અભિયાન ચાલુ રહેશે, બહુપત્ની પ્રથા ખતમ થશે, મને કોઈ રોકી શકશે નહીં.”
ચૂંટણી મુદ્દાઓ પર હિમંત બિસ્વા સરમાએ કોંગ્રેસ પર પણ તીવ્ર પ્રહાર કર્યો હતા. સરમાએ કહ્યું, “કોંગ્રેસ ઉમેદવારોથી ટિકિટ માટે એક કરોડ રૂપિયા એડવાન્સ અને ત્રણ કરોડ પછી માંગે છે. શ્રીજંગરામ, બાઘેરિયા-મંડિયા, સામરિયા અને દળગાંવ જેવી બેઠકોના લોકોએ મને જાતે કહ્યું છે.”
સરમાએ દાવો કર્યો કે તેમની સરકારની કલ્યાણકારી યોજનાઓ તમામ સમાજ સુધી સમાનરૂપે પહોંચે છે અને સરકારને સમુદાય સાથે કોઈ સમસ્યા નથી. તેમણે કહ્યું, “પ્રશ્ન ફક્ત ત્યારે ઊભો થાય છે જ્યારે કેટલાક લોકો સરકારની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરે છે.” મુખ્યમંત્રીના આ નિવેદનો બાદ બહુપત્ની પ્રથા અને ઓળખ સંબંધિત મુદ્દાઓ ફરીથી ચૂંટણી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે અને અસમની રાજનીતિમાં નવી ગરમી જોવા મળી રહી છે.