દિલ્હી-NCRમાં પ્રદુષણ વધ્યું: ડિસેમ્બરની શરૂઆતથી AQI ગંભીર શ્રેણીમાં
નવી દિલ્હી : દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા સતત ખતરાના નિશાનથી ઉપર જળવાયેલી છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ અહીંની હવાની ગુણવત્તા ‘અતિ ગંભીર’ શ્રેણીમાં નોંધાઈ રહી છે. રાજધાની દિલ્હીના મોટાભાગના મોનિટરિંગ સ્ટેશનો પર એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 320 થી 370 ની વચ્ચે રેકોર્ડ કરવામાં આવ્યો છે, જ્યારે નોઈડા અને ગાઝિયાબાદના અનેક વિસ્તારોમાં પણ સ્થિતિ અત્યંત દયનીય છે. આ ઝેરીલી હવાને કારણે હોસ્પિટલોમાં શ્વાસને લગતી બીમારીઓ, દમ, એલર્જી અને આંખોમાં બળતરાની ફરિયાદ લઈને આવતા દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દિલ્હીની સ્થિતિ લગભગ દરેક જગ્યાએ ચિંતાજનક સ્થિતિ દેખાઈ રહી છે.
દિલ્હીના બવાનામાં AQI 367, આનંદ વિહારમાં AQI 354, પુસામાં AQI 353, નેહરુ નગરમાં AQI 350, ડીટીયુ (DTU)માં AQI 343, પટપડગંજમાં AQI 340, અશોક વિહારમાં AQI 337, પંજાબી બાગમાં AQI 334, આરકે પુરમમાં AQI 334, ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જમાં AQI 330, બુરારી ક્રોસિંગમાં AQI 327, દ્વારકા સેક્ટર-8માં AQI 326, ચાંદની ચોકમાં AQI 321 અને મથુરા રોડ વિસ્તારમાં AQI 301 નોંધાયો હતો. લગભગ તમામ સ્ટેશનો ગંભીર અને અતિ ગંભીર શ્રેણીમાં છે, જે દર્શાવે છે કે હવામાં પ્રદૂષક કણોની માત્રા ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે.
ગાઝિયાબાદમાં પણ હાલત ખરાબ છે. અહીં લોની વિસ્તારમાં ગુણવત્તા સૌથી ખરાબ નોંધાઈ છે, જ્યાં AQI 380 ને પાર (382) છે. આ ઉપરાંત સંજય નગર (329), વસુંધરા (307) અને ઈન્દિરાપુરમ (283) માં પણ પ્રદૂષણ વધારે છે. નોઈડામાં 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી PM 2.5 નું સ્તર સતત રેઈઝ ઝોનમાં રહ્યું છે. આજે નોઈડાના સેક્ટર 125 (348), સેક્ટર-116 (345), સેક્ટર-1 (345) અને સેક્ટર-62 (300)માં પ્રદુષણનું સ્તર ઉંચુ નોંધાયું હતું.
હવામાન વિભાગની ચેતવણી મુજબ અત્યારે પ્રદૂષણમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા અનુસાર, વર્તમાન સમયની હવા દમના દર્દીઓ માટે અત્યંત જોખમી છે. આ પ્રદૂષિત હવા વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે જોખમકારક છે. લાંબા સમય સુધી આ હવામાં રહેવાથી ફેફસામાં સંક્રમણ અને શ્વાસની ગંભીર તકલીફો ઊભી થઈ શકે છે.