દિલ્હીમાં શીશમહેલ મામલે રાજકારણ ગરમાયું, સંજ્ય સિંહે પીએમ આવાસને લઈને કર્યાં પ્રહાર
નવી દિલ્હીઃ અંતિમ મતદાર યાદી જાહેર થયાના એક દિવસ બાદ ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. દિલ્હીમાં હવે સત્તા માટે રાજકીય લડાઈ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે ગઈ કાલે દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અને પરિણામ 8 ફેબ્રુઆરીએ આવશે. દરમિયાન દિલ્હીમાં 'શીશમહેલ' કેસને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપ આ મામલે આમ આદમી પાર્ટીને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે AAP નેતા સંજય સિંહે ભાજપના નેતાઓને ખુલ્લો પડકાર ફેંક્યો છે. AAP સાંસદ સંજય સિંહે ભાજપને 2700 કરોડ રૂપિયામાં બનેલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આલીશાન મહેલ બતાવવાનો પડકાર ફેંક્યો હતો. સંજય સિંહે ભાજપ પાસે પીએમનો મહેલ બતાવવાની માંગ કરી છે.
સંજય સિંહે કહ્યું હતું કે આજે તેઓ પહેલા મુખ્યમંત્રી આવાસ જશે. ત્યાર બાદ વડાપ્રધાનના નિવાસસ્થાને જોવા જઈશું. AAP નેતા સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ દિલ્હીના સીએમ આવાસની બહાર પહોંચી ગયા હતી. બીજી તરફ સીએમ આવાસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. પોલીસે AAP નેતાઓને સીએમ આવાસ જતા અટકાવ્યા હતા. દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજ અને AAP સાંસદ સંજય સિંહે મુખ્યમંત્રી આવાસની બહાર તૈનાત પોલીસકર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. મુખ્યમંત્રીના આવાસની બહાર પોલીસ બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. દરમિયાન AAPના નેતા સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ ધરણા પર બેઠા હતા.
સંજય સિંહે આરોપ લગાવ્યો છે કે, PM મોદીના 2,700 કરોડ રૂપિયામાં બનેલા પેલેસમાં 300 કરોડ રૂપિયાની કાર્પેટ, 200 કરોડ રૂપિયાની કિંમતનો ઝુમ્મર છે અને તે 10 લાખ રૂપિયાની પેન, 6,700 જોડી શૂઝ અને 5,000 સૂટનો ઉપયોગ કરે છે. અમે ઈચ્છીએ છીએ કે દિલ્હી અને દેશના લોકો સત્ય જાણે.